Home News Update My Gujarat બે વર્ષ પછી ગુજરાતમા પહેલીવાર પતંગોત્સવ…

બે વર્ષ પછી ગુજરાતમા પહેલીવાર પતંગોત્સવ…

0
  • ચાર મહાનગરમા યોજાશે શાનદાર કાઇટ ફેસ્ટિવલ…

ગુજરાતમાં પતંગોત્સવની છેલ્લાં 2 વર્ષથી પતંગ રસિયાઓ રાહ જોઈ રહ્યા છે ત્યારે કોરોના કાળ બાદ પ્રથમ વાર ગુજરાતમાં પતંગોત્સવ યોજવા સરકારે આયોજન હાથ ધર્યું છે. આગામી પતંગોત્સવ રાજ્યના 4 શહેરી વિસ્તારમાં યોજાશે. રાજ્યમાં તારીખ 8 જાન્યુઆરી, 2023થી 14 જાન્યુઆરી, 2023 સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદેશી પતંગબાજો પણ ભાગ લેશે. રાજ્યના પ્રવાસન વિભાગે પતંગ ઉત્સવને લઈને તૈયારીઓ શરૂ કરી છે. આ પહેલા કોરોના મહામારીને કારણે વર્ષ 2021 અને વર્ષ 2022માં કાઇટ ફેસ્ટિવલ રદ કરવામાં આવ્યો હતો.

વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 8 થી 14 જાન્યુઆરી દરમિયાન રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના ખ્યાતનામ કલાકારો પતંગ ઉત્સવમાં પર્ફોર્મન્સ કરશે. ગુજરાતની લોકકલાને ઉજાગર કરતા વિવિધ કલાકારો પતંગ ઉત્સવમાં ભાગ લેશે. આ ઉપરાંત પતંગોત્સવમાં સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામાં આવશે. રાજ્યમાં પતંગ ઉત્પાદન કેવી રીતે થાય છે તેની વર્કશોપ પણ રાખવામાં આવશે. રિવરફ્રન્ટ ખાતે વિવિધ સ્ટોલ ઉભા કરશે.

G-20 અને આઝાદી કા અમૃત મહોત્સવની થીમ પર ઉત્સવ યોજાશે

કોરોનાકાળ બાદ પ્રથમ વાર યોજાઈ રહેલા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં આઝાદી કા અમૃત મહોત્સવ અને G-20 સમિટની થીમ રાખવામાં આવશે. રાજ્યમાં G-20 સમિટની 15 બેઠકો વિવિધ સ્થળો પર યોજાવાની છે. દેશ પ્રથમ વાર G-20 સમિટની યજમાની કરી રહ્યો છે. જેથી G-20 સમિટના કેટલાક અંશો પતંગ ઉત્સવમાં જોવા મળશે. આ ઉપરાંત દેશમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી થઈ રહી છે તેના ભાગ રૂપે પતંગ ઉત્સવમાં તેના કેટલાક અંશો જોવા મળશે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પણ પતંગોત્સવનું આયોજન

અમદાવાદ ખાતે રાજ્ય કક્ષાનો પતંગ ઉત્સવ યોજવામાં આવશે. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય રાજ્યમાં વડોદરા, સુરત અને રાજકોટમાં પતંગ ઉત્સવ ઉજવાશે. વડોદરામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પતંગ ઉત્સવ યોજવા અંગે આયોજન કરાયું છે.

65 દેશના પતંગબાજો પતંગ ઊડાવશે

તાજેતરમાં જ પ્રવાસન વિભાગની બેઠક મળી હતી. આ વર્ષે યોજાનારા પતંગ ઉત્સવમાં વિશ્વના 65 દેશને આમંત્રણ આપવામાં આવશે. વિદેશથી આવનારા પતંગબાજો માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વિદેશથી આવનાર પતંગ રસિયા અમદાવાદ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ઉત્સવમાં ભાગ લેશે તેમ પ્રવાસન વિભાગના સત્તાવાર લોકોએ જણાવ્યું હતું.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version