Published by : Vanshika Gor
બ્રિટનમાં આવનાર દિવસોમાં રાજ્યાભિષેકનો ભવ્ય કાર્યક્રમ યોજાનાર છે. પરંતું આ વખતે રાજ્યાભિષેક ના તાજ પર વિશ્વમાં પ્રસિધ્ધ કોહિનૂર હીરો ચમકતો નહીં હોય… બ્રિટનના કિંગ ચાર્લ્સ તૃતીયનાં પત્ની કૅમિલાએ ભારતની નારાજગીનો ખાસ ખ્યાલ રાખ્યો છે. એટલા માટે જ તેમણે રાજ્યાભિષેક પ્રસંગે એવો તાજ પહેરવાનું નક્કી કર્યું છે કે જેમાં કોહિનૂર ડાયમન્ડ નહીં હોય. ૧૦૫ કૅરૅટના આ ડાયમન્ડની માલિકીને લઈને ખૂબ વિવાદ જાગ્યો છે. ૧૮મી સદીથી પહેલી વખત આ ક્રાઉન એટલેકે તાજ નો રાજ્યાભિષેક માટે ફરીથી ઉપયોગ કરવામાં આવશે.
કોહિનૂર ડાયમન્ડનો એક વિવાદાસ્પદ ઇતિહાસ રહ્યો છે. ભારતમાં અંગ્રેજોનું શાસન હતું એ સમયે મહારાજા રણજિત સિંહના ખજાનામાંથી અંગ્રેજો એને લઈ ગયા હતા, ત્યારથી એ બ્રિટિશ તાજની શોભા વધારી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક સમયે જણાવ્યું હતું કે ૧૯મી સદીમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા ઝૂંટવી લેવામાં આવેલો અને બાદમાં ક્વીન વિક્ટોરિયાને આપવામાં આવેલો કોહિનૂર ડાયમન્ડ બ્રિટિશ સામ્રાજ્યની અનિચ્છનીય યાદ અપાવે છે. કૅમિલા ભલે કોહિનૂર ડાયમન્ડવાળો તાજ ન પહેરે, પરંતુ ક્વીન મૅરીના ક્રાઉનમાં પણ વિવાદાસ્પદ ડાયમન્ડ્સ જડેલા છે. જૉકે ચોકાવનારી બાબત એ પણ છે કે આ કોહીનૂર ડાયમન્ડ ભારતનો છે, પરંતુ પાકિસ્તાન, ઈરાન અને અફઘાનિસ્તાન પણ એની માલિકીનો દાવો કરે છે.