Published by : Rana Kajal
- જીવન કે મૃત્યુ ધનિક દેશ બ્રિટનના નાગરીકોની કફોડી હાલત…
- દેશભરમાં 3500 જેટલી વોર્મ બેંક અત્યારે એક જ આધાર : 69 લાખ નાગરિકો પાસે ઊર્જા ખરીદવા પૈસા નહી હોવાથી ગરીબીના ખપ્પરમાં…
- વીજબીલ 40 વર્ષના સૌથી ઊંચા સ્તરે…
લંડન
વીજળી અને ગેસના ઊંચા ભાવના કારણે એક સદી સુધી વિશ્વના ત્રીજા ભાગ ઉપર રાજ કરનાર બ્રિટનની હાલત ક્ફોડી બની છે. બ્રિટીશ નાગરીકો એનર્જી પોવર્ટી એટલે કે ઊર્જાના ઊંચા ભાવના કારણે ગરીબીના ખપ્પરમાં હોમાય રહ્યા છે. બ્રિટનમાં ઊર્જાના ભાવ છેલ્લા ૪૦ વર્ષમાં સૌથી ઊંચા છે. ભોજન માટે ગેસ બાળવો કે હાડ ગાળી નાખતી ઠંડીમાં રક્ષણ માટે તેનો ઉપયોગ કરવો એ રોજ નક્કી કરવું પડે છે. આજે સ્થિતિ એવી છે કે બ્રિટનમાં ૩૫૦૦ જેટલા વોર્મ બેંક (રેન બસેરા) ખોલવામાં આવ્યા છે જેમાં લોકો એટલા માટે શરણ લઇ રહ્યા છે કે જેથી કરી ઘરે ગેસ બાળી હિટીંગ સીસ્ટમના ચાલુ કરવી પડે નહી.
લંડનના રોયેલ ઓપેરાથી લઇ વિવિધ સમુદાયના મોટા હોલ કે જેની પાસે જે સવલત છે તેમાં આવા રેન બસેરા ખોલવામાં આવ્યા છે. રોયેલ ઓપેરા છેલ્લી ત્રણ સદીથી વિશ્વના ટોચના મ્યુઝીશીયન, બેલે ડાન્સર માટે પરફોર્મન્સનું કેન્દ્ર હતું જે આજે ઠંડીથી બચવા માટે સામાન્ય નાગરિકનું આશ્રિત બન્યું છે. આવા બસેરામાં ઠંડીથી રક્ષણ મેળવવા મફત હિટીંગ સીસ્ટમ ઉપલબ્ધ હોય છે. કેટલાકમાં મફત ચા અને વાઈ-ફાઈ સીસ્ટમ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. બ્રિટનમાં આવા ૩૫૦૦ જેટલા રેન બસેરા ખુલી ગયા છે. રેન બસેરા ખોલવા માટે ચર્ચ, ગેમિંગ ફાફે પણ જોડાયા છે. બ્રિટનની પબ લાઈફ બહુ પ્રખ્યાત છે પણ ત્યારે ગરીબીના કારણે પબ ટપોટપ બંધ થઇ રહ્યા છે એટલે જે ટકી રહેવા મહેનત કરી રહ્યા છે ચા અને કોફી સાથે આખો દિવસ પબમાં બેસી કામ કરવાની પરવાનગી આપવા તૈયાર છે. બ્રિટનમાં મંદીના કારણે રોજના ૩૦૦ જેટલા પબના કામી શટર પડી રહ્યા છે.
આ શિયાળામાં ગરીબોને માત્ર ઠંડીથી બચાવવા માટે લગભગ ૧૪ અબજ પાઉન્ડનો ખર્ચ કરવો પડે એવી સ્થિતિ છે. રેન બસેરા અત્યારે સ્થાનિક દાન કે પછી બીજી કોઈ મદદના આધારે ટકી રહ્યા છે પણ તેમને પણ વીજળીના ખર્ચને અંકુશમાં રાખવા, નિયમિત બીલ ભરવા માટે વધારે નાણાકીય સહાયની જરૂર છે.