લંડન
તાજેતરમાં બ્રિટનમાં 5 સપ્ટેમ્બરે વડાપ્રધાન બનેલા લિઝ ટ્રસને તેમની પાર્ટીએ 24 ઓક્ટોબર સુધી પદ છોડવા અલ્ટિમેટમ આપી દીધું છે. કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદોએ તેમને પીએમ પદ માટે અયોગ્ય ગણાવતા કહ્યું કે ટ્રસે દોઢ મહિના પહેલા જે વાયદા કર્યા હતા તેનાથી હવે તેમણે યુ-ટર્ન મારી લીધો છે એટલા માટે હવે તેમણે પદ છોડી દેવું જોઈએ.તેમની પાર્ટીના 100 સાંસદોના જૂથે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી. સાથે જ લિઝ વિરુદ્ધ અવિશ્વાસપત્ર ગ્રાહમ બ્રેન્ડીને સોંપ્યો હતો. બ્રેન્ડી પાર્ટીની એક સમિતિના પ્રમુખ છે જે નેતાની ચૂંટણી યોજે છે. આ સમિતિએ 6 અઠવાડિયા પહેલા લિઝને પાર્ટીના લીડર તરીકે ચૂંટ્યા હતા ત્યારે ભારતીય મૂળના ઋષિ સુનક પીએમ પદની રેસમાં પાછળ રહી ગયા હતા. તેમણે નાણાંમંત્રી પદ પણ છોડી દીધું હતુ. હવે તે ફરીથી દાવેદાર બનીને ઉભરી રહ્યા છે કન્ઝર્વેટિવ પાર્ટીએ લિઝ વિરુદ્ધ આ અભિયાન એટલા માટે શરૂ કર્યું છે કેમ કે તેમણે ટેક્સમાં ઘટાડાના પોતાના મુખ્ય વાયદાથી યુ-ટર્ન લઈ લીધો છે. તેનાથી પાર્ટીની છબિ ખરડાઈ રહી છે. લોકો પણ નારાજ છે હવે પાર્ટીના સાંસદોના એક મોટા જૂથને એવું લાગે છે કે સુનકને વડાપ્રધાન બનાવી સરકાર તેની લાજ બચાવી શકે છે. સુનક નાણામંત્રી રહી ચૂક્યા છે. જોકે લિઝ પદેથી હટશે તો જેરેમી હન્ટને પણ પીએમ બનવાની તક મળી શકે છે. હન્ટ નાણામંત્રી છે. સોમવારે તેમણે ગત દિવસોમાં કરાયેલા તમામ પ્રકારના ટેક્સ ઘટાડાને પાછા ખેંચી લીધા હતા.
આ 4 કારણ જેના લીધે ટ્રસની સત્તા જોખમાઈ ગઈ છે
1. લિઝને ટેક્સ ઘટાડવાનો વાયદો કર્યો હતો પણ લોકોએ વિરોધ કર્યો કે ટેક્સ ઘટાડો ફક્ત ધનિકો માટે થઈ રહ્યો છે, સામાન્ય લોકો પર લાગતો ટેક્સ ઘટાડાયો નથી..
2. ટ્રસની છબિ નિર્ણય બદલનાર નેતા તરીકે બની ગઈ છે. પહેલાં તેમણે પોતાના નજીકના ક્વાસી ક્વાર્ટેંગને નાણામંત્રી બનાવ્યા પછી તાત્કાલિક હટાવ્યા. ટ્રસે કંપનીઓ માટે ટેક્સ 19 ટકાથી વધારી 25 ટકા કરવાનો નિર્ણય કર્યો. તેનો પણ વિરોધ થઈ રહ્યો છે.
3. લિઝના પીએમ બન્યા બાદ થયેલા પહેલા સરવેમાં કન્ઝર્વેટિવ પાર્ટી પાછળ થઈ ગઈ. બ્રિટનના તાજેતરના સરવે અનુસાર 62 ટકા બ્રિટિશ નાગરિકો માને છે કે પાર્ટી વોટર્સે ટ્રસને ચૂંટવાની જરૂર નહોતી.
4. ટ્રસે બ્રિટનની અનેક પાયાની સમસ્યાઓને દૂર કરવાનો પ્લાન અત્યાર સુધી રજૂ કર્યો નથી. જયારે ડૉલરની તુલનાએ બ્રિટિશ પાઉન્ડ સતત ગગડી રહ્યો છે. તે સાથે રશિયાથી ઈંધણનો સપ્લાય ઠપ છે. કિંમતો સતત વધી રહી છે. તેની મોટી અસર આવનારા શિયાળામાં જોવા મળશે. એમ જણાવાયુ છે