Home Blog બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ

બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ

1
  • “સીમ સીમ ખુલજા” જેવો ચૂંટણીનો માહોલ…પ્રજા અને નેતાઓની અધીરાઈ વચ્ચે અફવાઓનું બજાર ગરમ…
  • શું ભારતીય જનતા પાર્ટી, મોદીજી કે શાહ સાહેબ દ્વારા એક જ ઝાટકે ઘેર બેસાડી દેવાયેલી આખી રૂપાણી સરકારની કેબિનેટને પુનઃ ટિકિટો આપી પક્ષ પોતાની જ ઈજ્જત કાઢશે .?
  • ગણતરીના કલાકોમાં જ ગુજરાતની તમામ રાજકિય વ્યૂહ રચનાઓ પ્રજા સમક્ષ ખુલ્લી પડશે… ‘ગુજરાત ઇલેક્શન યુદ્ધના નગારા’ હવે પ્રજાને પાગલ કરશે..?

ગુજરાતની 15 મી વિધાનસભાની ચૂંટણીઓના મહાયુદ્ધ કહો કે ખુંખાર રાજકિય જંગ…હવે ગમે ત્યારે શરૂ થઈ જશે…પ્રાથમિક તમામ તૈયારીઓ ત્રણે મુખ્ય પક્ષોએ કરી જ દીધી છે…એક ભાજપમાં સત્તા મળવાની મજબૂત સંભાવનાઓ હોય,એ ગોળ પર મધમાખીઓનું ઝુંડ બહુ મોટું જામ્યું છે અને બહુ સ્વાભાવિક છે… ઉમેદવારો-ઉમેદવારો વચ્ચે ગળા કાપ સ્પર્ધાઓ પોતાના જ પક્ષના કાર્યકરો-નેતાઓ વચ્ચે પોતાની તાકાત પુરવાર કરવા માટે( જે ખરેખર હાલના સંજોગોમાં તો માત્ર મોદીજીની જ તાકાત પર જીતે છે,એકલા કમળ વિના ઉભા રહે તો 70% ની અનામત ડુલ થાય) ગમે તે રસ્તા અપનાવાઈ રહ્યા છે…હમણાં ટિકિટ લેવા શામ-દામ- દંડ-ભેદ બધા હથિયારો ઉમેદવારો વાપરી રહ્યા છે,જે ટિકિટ- નામ ડિકલર થયા પછી ખુદ પોતાના પક્ષે બાકી ટિકીટમાં રહી ગયેલાઓ સામે અપનાવવાના છે…કેવી કરુણા…?

લોકશાહીમાં જનતા જનાર્દન કહેવાય છે, પણ એની સત્તા માત્ર એક દિવસના સુલતાનની જ હોય છે…અને આ એક દિવસ પહેલા રાજકારણીઓ મહિનાથી સાચું ખોટું બોલી…આડા તેડા પ્રચાર પ્રસાર કરી,લોભ લાલચ આપી મતદાતાને ગાંડો-ભ્રમિત કરી નાખે છે…મીસ ગાઈડ કરી લે છે…અને આવી મનોસ્થિતિમાં મતનું એક વાર માનસિક ‘અપહરણ’ કરીને,બટન દબાવડાવી ને પછી 5 વર્ષ માત્ર દેખાડાના બે પાંચ કામો કરી,પોતે જ સમૃદ્ધ થાય છે…પ્રજાને લાચાર બનાવી દે છે…છે કોઈ પ્રજાના મોંઘવારીના દર્દ ને સમજનારું….?

છેલ્લા 24-48 કલાકની છાપાઓની હેડ લાઈનો,યુ ટ્યૂબની ચેનલોના ઇન્ટરવ્યૂ અને રાજકિય દાવપેચો…આ બધું વરવું સત્ય જોઈ,સાંભળી દેશના અને લોકશાહીના ભવિષ્યની ચિંતા અતિ ગંભીરતાથી સહુ કોઈને થતી જ હશે.પ્રશ્ન એ ઉદભવે છે કે શું આ દેશનો મતદાતાને, આ રાજકારણીઓ આટલા બધાં અબુધ-અંધ અને મજબૂર સમજે છે..? આ બહુ લાંબો ચર્ચાનો વિષય છે પણ દેશનું રાજકિય અને આર્થિક, સામાજિક ચિત્ર બહુ ગંભીર છે…એક વાર પ્રજા સમક્ષ વો-લોગ દ્વારા કોરોના સમયે મુકેલી એવી પ્રજાને સ્પર્શતી વાતો મુકવા મારા મિત્રોનું મને સૂચન મળ્યું છે…એવું જરૂર કરીશુ…

ભરૂચ જિલ્લાના રાજકારણની પહેલી વાત કહી દઉં તો ભારે મોટા પડીકાઓ પાંચે બેઠકો પર ચાલુ થઈ ગયા છે, અફવાઓના….દરેક ઉમેદવાર પોતે જ સ્પર્ધામાં આગળ છે એવી પરિસ્થિતિનું વર્ણન કરે છે,એક અફવા એવી પણ આવી કે ભરૂચના એક ઉમેદવારે-નેતાએ તો નામ જાહેર થતા પહેલા જ પક્ષના કાર્યાલય માટે જગ્યા શોધવા માડી છે…તો એક હવા આવી,ભરૂચની બેઠક મહિલા આપવાની જાહેર થઈ ગઈ…કોઈક સમાચાર લાવ્યું કે રૂપાણી કેબિનેટ ના કપાનારા મંત્રીમાં ઇશ્વરસિંહ ફાઇનલ છે,તો તપાસ કરી તો એક ગુજરાતી મીડિયા ધરાર ઇશ્વરસિંહજીની ટિકિટની સંભાવનાઓ પ્રબળ ગણાવતું હતુ…કેટલાક નેતાઓના મિત્રોને લિટ્રલી સાપ સૂંઘી ગયો હોય એમ સન્નાટો છવાયેલો છે જે પાર્ટ ઓફ સ્ટ્રેટેજી પણ હોઇ શકે…તો જીવસટોસટની છેલ્લા સમયની દોડધામ…એક એક રાજકીય સંબંધ અને સોર્સ વાપરવા માટે રાત દિવસ એક કરાઈ રહ્યા છે…અને તે પણ જ્યારે 24-48 કલાકો જ બાકી છે ત્યારે…બસ કોણ કપાય છે…? એમાં ઘણાને રસ લોકોને આ વખતે વધારે છે…જ્યારે કોને ટિકિટ અપાય છે એ જાણવામા સાપેક્ષમાં ઓછો રસ દેખાયો છે… આ વખતે ભરૂચ-અંકલેશ્વરની બેઠકો ઉપર વધુ ચર્ચાનો મુદ્દો ગરમ રહ્યો છે…

દરમ્યાન એક જાહેરાત બિનસત્તાવાર મીડિયામાં આવી કે રૂપાણી સરકારના ઓછામાં ઓછા 8 મંત્રીઓ કપાય છે…તો 58 ઉમેદવારો ફાઇનલની પણ યાદી ફરતી થઈ…જેમાં ઉંમરની મર્યાદાઓ અને ટર્મની મુદ્દતનો છેદ જ ઉડી જતો હતો…હા,નીતિન પટેલ ક્રોધમાં હોવાના સમાચાર પણ આવ્યા છે યુ ટ્યૂબ પર…મને મનમાં પ્રશ્ન થયો કે ભાજપ પોતાના હાથે જ પોતાની ઈજ્જત કાઢે ખરો..? કોઈ થુંક ગળી જાય પણ થૂંકેલું….તો હરગીઝ ના કરે…પણ આ તો રાજકારણ છે…તેમાં પણ જ્ઞાતિવાદ… કોમવાદ..જાતી વાદ…. લવ-વોર-અને હવે પોલિટિક્સમાં બધું જ સંભવ છે….જે આખે આખી સરકારને/ મંત્રી મંડળને રાતોરાત ઘરે બેસાડી દેવાયું હોય ત્યારે યોગ્યતા કે ગુન્હા, નિષ્ફળતા, ભ્રષ્ટાચાર કે કંઈક તો એવું ધ્યાને લીઘું જ-આવ્યું જ હશે ને..? શુ ‘આપે’ એટલો તનાવ સર્જ્યો કે ભાજપે ઝુકીને પાછા એજ ઘરડા ઘોડે કે લંગડા ઘોડે આગળની સવારી ગાંધીનગરના રેસકોર્ષના મેદાને ઉતારવી પડે…? દિલ્હીએ-હાઈકમાન્ડએ નાક લીટી તાણિને લીપેલું લૂછી નાખવું પડે…? ના કદાચ એવું તો નથી જ નથી…પણ હવે બહુ રાહ ક્યાં જોવાની છે…? જો અને તોની વચ્ચે બે રાત માંડ કાઢવાની છે સહુએ…તો સ્ટ્રેસ ને ટેન્શન પ્રજાએ શા માટે લેવાનું..?

આજે એક બે સમાચારે માત્ર કોઈ એક પક્ષ નહીં,આખા રાજકારણ સામે જોવાનો જનતાનો નજરીઓ જ બદલી નાખ્યો હશે એ પાક્કું…78 વર્ષની ઉંમરના મોહન રાઠવાજી 50 વર્ષની કોંગ્રેસની પ્રગાઢ પ્રીતિ ભૂલી એવું તે શું મેળવ્યું કે કેસરિયા કર્યા…? મોહનજી ના પક્ષના થયાં ના પ્રજાના, શુ આ તમાશા પ્રજા ને ગમતા હશે…?અરે થોભો, છેલ્લા ન્યૂઝ તો એવું કહે છે કે મોહનલાલના સ્નેહી સુખરામ રાઠવા પણ રંગ બદલવાના છે, કેસરિયા કરવાના છે… ભાજપ માટે આ ખેલ બુમરૅગ નહીં બને…? ઘરના છોકરાં ઘન્ટી ચાટે ને….ઘરનાની ધરાર અવગણના ક્યાં સુધી…? એક મિત્રએ ટકોર કરી, ભાજપા અને કોંગ્રેસ માટે…કે ભાજપ આખે આખી કોંગ્રેસનો જ ભાજપમાં સામુહિક પક્ષપલટાનો જાહેર કાર્યક્રમ કેમ નથી રાખતો…? પણ સત્તાની ગેમમાં પ્રજા હંમેશા ગરીબડી-બિચારી ગાય જેવી જ રહી છે,આઝાદી બાદ 75 વર્ષે પણ…એ રસ્તે રઝડતા અને અકસ્માતમાં જીવ લેતા આખલાઓ કે ગાયોના ઝુંડોને પણ નથી નાથી શકતી-રોકી શકતી (ગુજરાતમાં તો સરકાર માટે પશુ પાલકોના મત અને એમના પશુઓ પેહલા,પ્રજા ચૂંટણી પછી,એવું ખુદ હાઇકોર્ટે પણ જોયું હશે!!) કે ના તખ્ત નશીન નેતાઓને સમજી- સમજાવી શકે છે કે અમે જ ખરા રાજા છીએ…!!! શુ ગુજરાત રાજસ્થાન કે હિ.પ્રદેશ પણ જેટલું જાગૃત નથી…?શુ માત્ર લાગણી પ્રધાન જ છે…?એક પત્રકાર તરીકે આ પ્રશ્ન મનમાં ઉઠે તો એ કદાચ પક્ષ દ્રોહ કે નિષ્ઠા દ્રોહ તો નહીં જ હોય…ફરી જલ્દી મળીએ…🙏

1 COMMENT

  1. નરેશ ભાઈ…આપને એક વિનંતી કે આપ રાજ્યની સ્થાનિક સંસ્થાઓ જેવીકે નગરપાલિકા, કોર્પોરેશન, જિલ્લા, તાલુકા,ગ્રામ પંચાયત ની નબળી વિકાસ કામો ની કામગીરી, ફંડ નો ગેર ઉપયોગ,ભરષ્ટાચાર, નિરંકુશ વહીવટ અને રાજ્ય સરકાર કક્ષાએ શહેરી વિકાસ વિભાગ તથા વિકાસ કમિશ્નર,અને પંચાયત વિભાગ ની નિષ્ક્રિયતા ના વિષય પર એક બ્લોગ લખો ને.. તો કદાચ તંત્ર ની આંખ ઉઘડે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version