Published By : Parul Patel
આગલા અંકના મારાં બ્લોગમાં આપણે ચર્ચા કરી, કે આજના રાજનેતાઓ કેમ કેટલાક પત્રકારોને નાપસંદ કરે છે?? તિરસ્કૃત કરે છે?? શાસન કરવું, એ રાજકારણીઓ અને વહીવટદારોનું, અધિકારીઓનું પરમ કર્તવ્ય છે, તો આવું કર્તવ્ય પાલન કરનારાઓની તમામ પ્રવૃતિઓ પર બાજ નજર રાખવી, તેઓ જે કાંઈ પણ કરે છે તે નીતિ નિયમો, સર્વ જનહિતમાં અને પ્રજાના સર્વાંગી વિકાસ અર્થે, ન્યાય પૂર્ણ રીતે કર્મ, કર્તવ્ય પાલન કરે છે કે નહિ?? એ જોવાનો ધર્મ, પત્રકારત્વના વ્યવસાયમાં રહેલા પ્રામાણિક અને નિષ્ઠાવાન પત્રકારોનો છે… હા, જેઓ પત્રકારત્વને પણ ‘માત્ર આજીવિકા’નું સાધન બનાવી જીવતા હોય, અને મોહ માયા અને અધિભૌતિકવાદથી જીવવા મજબુર હોય, આવકના બીજા કોઈ પ્રામાણિક સ્ત્રોત ના હોય,તો એમની પાસે આવી આકરી નિષ્ઠા અને પ્રમાણિકતાની અપેક્ષા અસ્થાને રહે છે, એ સમજી પણ શકાય છે. પણ સમાજ સેવાના હેતુ સાથે આ ફિલ્ડમાં આવેલા ઘણાં નિષ્ઠાવાન, સિદ્ધાંત પ્રિય પત્રકારો રાજકારણીઓથી વેઠાતા- સહન થતાં ના હોય એ સ્વભાવિક છે, કારણ કે છેલ્લા બે ત્રણ દાયકાથી રાજનીતિ હવે સેવાનું નહિ,માત્ર ‘મેવા’ કમાવવાનું માધ્યમ માત્ર બની ગયું છે. રાજનીતિ જયારે વ્યાપાર બને છે, ત્યારે જન કલ્યાણની ભાવના માત્ર દેખાડો અને દંભ બની જાય છે. નિર્બળ અને નમાલું નેતૃત્વ હોય ત્યારે પત્રકારત્વ બહુ આકરું પરિક્ષણ કરાવનારો વ્યવસાય બની જાય છે…
![](https://narmadanews.co.in/wp-content/uploads/2024/08/WhatsApp-Image-2024-08-01-at-5.34.45-PM.jpeg)
પત્રકારે પણ પોતાનો જીવન નિર્વાહ કેટલાક ‘સ્ટાન્ડર્ડ’ સાથે વ્યવસાય કરવાનો હોય છે. પ્રમાણિકતા સાચવીને કરવાનો હોય છે. જેટલું ગંદુ રાજકારણ બન્યું છે એટલું જ ગંદુ કે થોડું ઓછું વધતું પત્રકારત્વમાં પણ સડો તો પેઠો જ છે. પણ આજે પણ લોકશાહીમાં કેટલાક વિરલ પત્રકારો હજુ પણ તેમનો ધર્મ પ્રમાણિકતા, નિષ્ઠા અને નીડરતા પૂર્વક બજાવે જ છે…સોશિયલ મીડિયા એમને જીવાડે છે, બિરદાવે પણ છે…
આપણે આજે વાત કરવાની છે કે, પત્રકારો રાજકારણીઓના દુશ્મન – ટાર્ગેટ કેમ બની જાય છે..?? કારણ બહુ સ્પષ્ટ છે. લોકશાહીમાં પ્રજાનો અવાજ પત્રકાર અને એનું પત્રકારત્વ બનતા હોય છે. રાજનીતિ જયારે JCBની અદાથી રૂપિયા કમાવવા માટેનું હથિયાર માત્ર બની જાય ત્યારે એને રોક ટોક કરી, પ્રજા સમક્ષ ખુલ્લા પાડવા, એમની પ્રજા નિષ્ઠા પ્રતિની ઉદાસીનતા, નિષ્ક્રિયતા જાહેરમાં લાવનાર પત્રકાર જ હોય છે. વર્તમાન સમયનો જ દાખલો લઈએ.તોફાની વરસાદમાં ભરૂચના જાહેર રસ્તાઓની તદ્દન કફોડી હાલત, સોસાયટીઓમાં ભરાયેલા પાણી, કચરાના ખડકલા, ભયાનક ટ્રાફિક જામ…એ પ્રજાને પડતી ભયાનક અગવડતા છે…જેનો અવાજ, ફરિયાદો મીડિયા પાસે આવે છે, કરોડોના ખર્ચા પછી પણ નિષ્ફળ જતી રાજનીતિ, નેતૃત્વ, નેતાઓ આવા સમાચારોથી બહુ જ ડિસ્ટર્બ થઈ જાય, એ બહુ સ્વાભાવિક છે…તો શું આવા સમાચારો આપવા એ કોઈ વ્યક્તિ કે રાજકીય પક્ષનાં વિરોધી હોવાનું ગણાય ખરૂં?? આજ નેતાઓ જયારે આવા રસ્તાઓનું બે બે વાર ઉદ્ધઘાટન કરતાં હોય ત્યારે જ્યાં સુધી મીડિયાનો કેમેરામેન કે રિપોર્ટર ના આવે, ફોટા ના પડે ત્યાં સુધી એમનાથી કામો થતાં હોતાં નથી, મીડિયાના કવરેજને પોતાના સોશિયલ મીડિયા પર મૂકી વાહ વાહી કોણ કરાવે છે?? પક્ષમાં પોતાને સારાં કોણ દેખાડે છે?? આજ રાજકારણીઓ ટીકા વેઠી શકતા નથી… જેવી ટીકા થાય એટલે એ કરનાર વ્યક્તિ કે મીડિયાને પક્ષ ‘વિરોધી’ કે વ્યક્તિ વિરોધીના લેબલ ચિપકાવાય છે, અરે પ્રત્યક્ષ પરોક્ષ ધાક ધમકીઓ અપાય છે.. “અમે પણ જોઈ લઈશું” હોંકારા પડકારો અપાય છે, ભરૂચમાં તો આવું કરનારી એક વિશેષ ચંડાળ ચોકડી બહુ ફેમસ છે.. ન-નામાં, નામ વિનાના ચિઠ્ઠા ચપાટા, બેનામી કે ડમી ખોટાં નામોથી અરજીઓ કરી પોતાની સામેના વિરોધીઓને ખોટી રીતે બદનામ કરવાના બહુ મોટાં કાવતત્રા થાય છે… પણ જયારે આવા નેતાઓના ખરા કૌભાંડો કે વ્યભિચારની વાતો મીડિયાના ટેબલ પર પહોંચે કે અખબારો, ચેનલોમાં આવે ત્યારે કાગારોળ મચાવી દે છે. અને આખો પક્ષ એક અને અકબંધ થઈને ક્યાંતો ચૂપ થઈ જાય છે, ક્યાં એક બીજાને બચાવવા હાથમાં હાથ લઈ સાંકળ બનાવી લે છે.. આ બે પક્ષ, મીડિયા અને રાજકારણીઓ એક બીજા ના જેટલાં પૂરક હોય છે, એટલા જ વિરોધી પણ બનતા હોય છે..જો એમની જોડી, કે “અનૈતિક ગઠબંધન” થઇ જાય તો તો પ્રજા પીષાયા જ કરે.. મારી 30 વર્ષની પત્રકારત્વની કારકિર્દીમાં,છેલ્લી દશ -બાર વર્ષમાં પત્રકારત્વના અનુભવો રાજકારણીઓ અને એક મીડિયાપર્સન તરીકે અસંખ્ય અનુભવો એવા રહ્યા છે, જેમાં ઘણાં રાજકારણીઓએ જાહેરમાં મિત્રતાના ઢોલ પીટયા છે, કે હસતાં મોંઢે સાથે ફોટા પડાવ્યા છે, પણ પીઠ પાછળ તો ખંજરો જ માર્યા છે અને એ પણ જાહેર જનતા કલ્યાણ, જનકલ્યાણના કામોમાં પણ પૂરક બની ક્રેડિટ લેવાના બદલે, ઈર્ષ્યા કરી ભરૂચની પ્રજાનો દ્રોહ કર્યો છે (હા એમાં અપવાદ રૂપ એકાદ બે અંગત નેતાઓ જે સાચા મિત્રો રહ્યા પણ છે, જેને ‘પોતાના’ જાહેરમાં કહેવાય ) સમયાંતરે આવા ખોટાં ખોખલા નેતાઓને આપણે ખુલ્લા કરતાં જઈશું… અને એમને ચેતવણી પણ આપીશું કે તમે ભલે પોતાની ખોખલી પ્રતિષ્ઠા સાચવવા પીઠ પાછળ લલકારતા, ધમકાવતા હોવ કે “કોઈ દૂધે ધોયેલા નથી.” અમે ક્યારેય આવા દાવા કરતાં નથી, પણ અમે પણ બહુ કડવું સત્ય બોલી, લખી, છાપી શકીએ છીએ કે મારાં કે અમારાં હાથ કોલસાની દલાલીમાં ક્યારેય કાળા નથી જ થયાં, નથી કોઈ ફાઈલો પાસ કરાવવાના, ટેન્ડર પાસ કરાવવાના, ‘કાર્યાલય’ના નામે જમીનોના સોદામા પણ દલાલી કે ઈલેક્સન ફંડના નામે 5-50 લાખ બારોબાર એકઠા કરી તિજોરીઓ ભરી છે, અમે તો એમના નામ ઠામ ઠેકાણા પણ જાણીએ છીએ, અને જરૂરી માહિતી પ્રદેશને આપી પણ છે, વધુ ઘણું આપીશું પણ… અમે નેતાઓ પાસે માત્ર પ્રજાના સળગતા પ્રશ્નો, સમસ્યાઓનું સોલ્યુશન જ ઇચ્છીયે છીએ, તમે જેટલો અને જેવો સહયોગ કરશો એટલો અમો પણ એક વહેંત વધુ ઝૂકીને પ્રજા હિતમાં સહયોગ કરીશું, બાકી-ધાકધમકીઓ કે બ્લેક મૈલિંગની રાજનીતિમાં ક્યારેય નહિ ઝુકીએ…બધાની ઘણી સારી નરસી, સાચી ખોટી ફાઈલો હરતી ફરતી જ હોય છે.. અમને એમાં નહિ, પ્રજાના પ્રશ્નોના શક્ય અને વ્યાજબી નિરાકરણમાં રસ હોય છે… ભરૂચની ભવ્યતા, સમૃદ્ધિ તો પછી, સામાન્ય જીવન વ્યવસ્થામાં, જો નેતૃત્વ હકારાત્મક રહ્યું, તો મીડિયા એમની સાથે…બાકી સામે રહેવાના પ્રજા ધર્મ – કર્મનું પાલન તો કરવું જ રહ્યું…
આજે એક ન્યૂઝ મુકું છું, નેતાઓ માટે, જેઓ ચેનલ નર્મદાને માત્ર એમના હેતુપૂર્તિ માટે ભાજપ વિરોધી ચીતરી ચીતરીને પોતાની રૂક્ષ, જાડી ચામડી અને ઈજ્જત બચાવી રહ્યા છે… શું આ સુરતના ડ્રગ્સ કાંડમાં, આવા અસંખ્ય ઘટનાઓમાં જેમાં ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ સંડોવાયાનું પુરાવા સહિત પોલીસ ચોપડે નોંધાયું છે, જેમાં ભાજપના નેતા-કાર્યકર્તા જે દેશદ્રોહી પણ દેખાયાં, એ કામ કોઈ મીડિયા એ કર્યું છે? આવા ન્યૂઝ છાપવા, એ કોઈ પક્ષવિરોધી પ્રવૃત્તિ, નારાજગી છે?? પણ ખુદને બચાવવાં બીજાની બલી ચઢાવવાનું હવે બહુ નહિ ચાલે એ એટલીસ્ટ ભરૂચનું નેતા ગણ સમજી લે તો બધા માટે સારુ…સંવાદ સુખી કરે છે, જિલ્લા ભાજપે પત્રકારો સાથે કેટલો સંવાદ રાખ્યો, ક્યારે?? કેટલું મીડિયાની ફરિયાદોને પોઝિટિવ ગણી નિકાલ માટે પ્રયાસો કર્યા?? એ જિલ્લાના તમામ નેતાઓ વિચારે, ભાજપના હોય, કોંગ્રેસના હોય કે ‘આપ’ ના.. સહુ માટે સમાન મૂલ્યાંકન છે.. 🙏🙏🙏