Published By : Parul Patel
- ✍️ શું ભારતીય જનતા પાર્ટીને એન્ટી ઇન્કમબંસી નડે છે કે ખુદ ભાજપના અસંતુષ્ટ નેતાઓ જ નડે છે ???
- ✍️ ભ્રષ્ટાચાર, વ્યભિચાર અને અહંકારમાં ખરડાયેલા નેતાઓએ દાયકા સુધી સત્તા ભોગવ્યા પછી પક્ષની શિસ્ત સંયમના ભવાડા હવે દૂધના ઊભરાની જેમ બહાર આવી રહ્યા છે.
- ✍️ પુરસોત્તમ રૂપાલાની તો જીભ લપસી, ભાજપ અને નેતાઓની સમજ ? “જે પોષતું તે મારતું એ ક્રમ દિશે કુદરતી..??
મોદી સાહેબના ચેહરા, પુરુષાર્થ, પ્રભાવ અને ભગવા હિંદુવાદના નામે રંકમાંથી રાંક, કરોડો-અબજો પતિ બની ગયેલા ભાજપના એક સમયે સામન્ય ગણાતાં અસંખ્ય નેતાઓ મોદી-શાહ સાહેબની થોડી નિર્બળતા નજરે શુ પડી, 2024 ની લોકસભા દરમ્યાન ડૂબતા જહાજમાં છેદ કરવાના પ્રયાસમા , એક આખા ઘરનો જ વારંવાર અપમાનિત થયેલા જુદી જુદી જ્ઞાતિ જાતિના પક્ષીય સમૂહો તૈયાર જ બેઠા હતા…છે, અને હવે સ્થિતિ એવી છે કે ઘર ડૂબે ઘર જાય…પણ હજુ સમય ભાજપના ઘર કે ગઢ ડૂબવાનો આવ્યો નથી…દેશમાં ચારે તરફના પડાકારોથી ઘેરાયેલા મોદીજી, શાહ સાહેબ આટલી ઝડપી હાર સ્વીકારે એ વાત મોદી ભક્તો તો ઠીક, ખુદ વિરોધી મીડિયા અને વિપક્ષ પણ સરળતાથી સ્વીકારતા નથી…હા, આ દેશ ચમત્કારોનો દેશ છે, અને ચમત્કારો થતાં રહેતા જ હોય છે, પછી એ હકારાત્મક હોય કે નકારાત્મક…અને આ વખતે આઝાદી પછી ભારતની ભૂમિ પર જનતા જનાર્દન દ્વારા કોઈક તો ચમત્કાર થવાનો…થવાનો અને થવાનો જ છે, રાજકારણના મહાસાગરમાં અનેક ભમરીઓ ચઢી છે…જે ‘કોઈક’ કે ‘કઈંક’નો તો ભોગ લેશે…
મારા વાચક મિત્રોને થશે કે અચાનક ગાયબ થઈ ગયેલા નરેશભાઈ એકાએક બ્લોગ લઈને કેમ આવ્યા?? પણ વર્તમાન સમય અને સ્થિતિ જ એવી બનતી જઈ રહી છે કે માંહ્યલો સળવળી ઉઠે, અને ના હજુ નિવૃત નથી થયો હું, ઘરના સામાજિક કાર્યમાં ગળાડૂબ હોવા છતાં, એક મહિના પહેલા-વહેલા મારે પુનઃ બ્લોગ લખવાનું મન થાય એવા સાંપ્રત રાજકીય પ્રવાહો સર્જાયા, ગુજરાત ભાજપમાં ઉભો થયેલો લોકસભાની ચૂંટણી દરમ્યાનનો અસંતોષનો દાવાનળ, જો કે ચૂંટણી ટાણે દીકરાના લગ્નો વચ્ચે પણ મારે યુટ્યૂબ મીડિયા પર રાજકિય વિશ્લેશક તરીકે વારંવાર ચોથી જાગીરનું કર્મ ભજવતા રેહવું પડે છે…હા,પહેલી મે, 2024 થી પુનઃ મળતા રહીશું…
છેલ્લા દોઢ બે મહિનાથી દેશનું રાજકારણ ચૂંટણીના નામે ભારે સક્રિય રહ્યું છે. જો અને તો, ની વચ્ચે એક સમયે ભાજપ 370 અને NDA 400 પારની એક પક્ષીય પરીસ્થિતિઓનું પ્રચાર યુદ્ધ ચરમસીમાએ જઇ રહ્યું હતું…કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનનો તો જાણે હિસાબ જ નંખાઈ ગયાની હાલત જોઈ લોકશાહીમાં વિરોધપક્ષ વિના શુ?? ની ચિંતાની લકીરો આદર્શ નાગરિક તરીકે સહુને માથે દેખાઈ…ચૂંટણીજવર- યુદ્ધ ચારે કોર જામી રહ્યું છે, તેવા સમયે એકાએક ગુજરાત લોકસભાની ચૂંટણીઓમાં 26 માંથી 26 બેઠકો અને એ પણ 5 લાખ મતોના માર્જિનથી જીતવાના સ્વપ્ન સેવનારા અને એવી સંભાવનાઓ ઉભી કરનારા ભારતીય જનતા પાર્ટીને જાણે કોઈની બૂરી નજર લાગી હોય એમ આંતરિક અસંતોષનો એરૂ આભડી ગયો હોય એવા સમાચારો વાયુ વેગે પ્રસરી ગયા…ગુજરાતના મુ.મંત્રી પદેથી PM પદે અને ગુજરાતનાં ગૃહમંત્રી પદેથી સીધા દેશના ગૃહમંત્રી બનેલા અમિતશાહ જેવા કર્મઠ અને ચાણક્ય રાજપુરુષોની રાતોરાત દશા દિશા બદલાઈ ગઈ હોય એવો આંશિક માહોલ બન્યો…એમાં પણ ગુજરાત જેવું એક સમયે 156 ધારાસભ્યો આપનારું પોતીકું રાજ્ય જ ભાજપમાં બળવો, અસંતોષનું નિમિત્ત બન્યું…જ્યાં મોદી-શાહની સીધી હાક-ધાક હોય એજ રાજ્યમાં લોકસભાની ટિકિટો માટે ટળવડતા નેતાઓના નામો જાહેર થયા બાદ એકાએક, અણધાર્યો ભારે વિરોધ વંટોળ સર્જાયો..શરૂઆત વડોદરાએ કરી..રંજનબહેન ભટ્ટ થી શરૂ થયેલો ખેલ જોત જોતામાં બનાસકાંઠા, જૂનાગઢ અને વલસાડ સુધી પહોંચ્યો..ત્યાં એક મોટી ભૂલ બહુ બોલકા અને મોદીસહેબના રહસ્ય સચિવ, જુના જોગી કાઠિયાવાડી વાણીના પ્રભાવી વક્તા પુરષોતમ રૂપાલાની જીભ એવી તો લપસી કે ના લાપસી બની ના કંસાર…વાણીવિલાસમાં ભાન ભૂલેલા અને હમેશા લોકોની મજા મસ્તી લેતા આ લોકસભાના ઉમેદવારે એક આખા ક્ષત્રિય સમાજને એક જ ઝાટકે ભારે આક્રોશ સાથે ‘એક’ કરી દીધો…લાગણીનું ઘવાવું એ શરીરના ઘા કરતા રૂઝાવવું અતિ કઠિન હોય છે…ભલ ભલા રાજા રજવાડાઓ સામે એક થવામાં આઘા પાછા કદાચ ક્ષત્રિયો ક્યારેક ભૂતકાળમાં થયાં હોય તો એ ગનીમત…પણ રૂપાલાના અપમાનિત શબ્દ વેણથી એક એક ક્ષત્રિય અને ખાસતો ક્ષત્રિયાણીઓ આગ આગ થઈ ગઈ..રાજકોટમાં રૂપાલા એ લગાવેલી શાબ્દિક આગ જોત જોતામાં આખા સૌરાષ્ટ્રમાં અને હવે તો આખા ગુજરાતમાં ચારેકોર આંદોલનનું સ્વરૂપ પકડી બેઠી છે…ક્ષત્રિય સમાજ આક્રોશીત છે,.બદલામાં રૂપાલાએ લોકસભા છોડવી પડે એનાથી નીચે આ સમાજમાં કોઈને કાંઈ ખપતું નથી…શૂરવીરતાનો ઇતિહાસ એવા દરબારો, ક્ષત્રિયો હવે માફી ના મૂડમાં નથી…બહેનો વધુ આક્રોશ સાથે જંગમાં ઉતરી છે…ભૂલની માફી કદાચ હોય, વાણી વિલાસની ના હોય…આજે ગુજરાતના અખબારો, યુટ્યુબ મીડિયા (મેઈન સ્ટ્રીમ મીડિયા આઘુ પાછું છે) પર પુરષોતમ રૂપાલા અને ગુજરાત ભાજપના ભવાડા, અસંતોષ, બળવો કહો કે, અશિસ્ત…ભલ ભલાને મુઝવી રહી છે…બહુ લાંબા સમય પછી, કદાચ પાટીદાર આંદોલન બાદ આવી જ્ઞાતિ-જાતિ વચ્ચેનો જંગ ગુજરાત પુનઃ જોઈ રહ્યું છે…આવી સ્થિતિ વચ્ચે કાઠીયાવાડના કવિ કલાપીની પ્રસિદ્ધ-પ્રચલિત એક પંક્તિ યાદ આવી જાય છે, “જે પોષતું તે મારતું એવો દિશે ક્રમ કુદરતી..” જે ભાજપને ગુજરાતે દિલ્હી મોકલ્યું…શુ એજ એને ખતમ કરવાનું નિમિત્ત બનશે ??
આ મુદ્દાએ ભરૂચને પણ ધ્રુજવ્યું છે. આજે આજ મુદ્દે ક્ષત્રિયોએ ભરૂચ કલેકટરને આવેદન પત્ર આપ્યું, પૂતળું બાળવાની નિષ્ફળ કોશિશ કરી…ભારે સૂત્રોચ્ચાર થયાં…પક્ષ માટે આવા અણધાર્યા અપશુકનથી શાહ-મોદીજી પણ દુઃખી તો થયાં જ હશે…પણ જેમ પરિવારવાદ રાજકારણમાં ઘાતક બને છે, એવી રીતે વ્યક્તિવાદ, જાતિવાદ, અહંકાર અને જૂથવાદ જાતે જ ખુદને ખતમ કરતો હોય છે…જોઈએ ઉમેદવાર બદલાય છે કે પાર્ટીની વિચારધારા..જીત તો જનતાની જ થવી જોઈએ…લાગણીઓ બહુ મૂલ્ય હોય છે,અપમાનોએ ભલ ભલા યુધ્ધો હરાવ્યા છે…ક્ષત્રિયો માફીના મૂડમાં નથી, રાજસત્તા ઝુકવાના મૂડમાં નથી…સમય જ રસ્તા કાઢશે…પરિણામો આપશે…