Published By : Parul Patel
✍️ભરૂચ જિલ્લાને 1942 થી આજના 80 વર્ષમાં મળેલા 51 જિલ્લા કલેક્ટર્સમાં કાર્ય નિષ્ઠાથકી જનપ્રિય અને સફળ થયેલા કોણ કોણ અને કેટલા અધિકારીઓ??
✍️ આઝાદી સમયે સરદાર પટેલની ખાસ સૂચનાથી નિમણુંક પામેલા ICS કલેકટર LR દલાલનું ઐતિહાસિક કાર્ય અવિસ્મરણીય..હાંસોટ તળાવનું નામ પડયું “હંસા તળાવ”
✍️ જો વહીવટ સાથે નેતૃત્વમાં યાદગાર ભૂમિકા કોઈએ ભજવી હોય તો સ્વ.પિયુષ ઠાકોર અને મહિડા બંધુઓ પણ ખરા..!!
દશેરાના દિવસે લખેલા પહેલા બ્લોગમાં ભરૂચ જિલ્લાની પ્રગતિમાં-વિકાસમાં ભાગ ભજવનાર, સ્વ શ્રેષ્ઠ કર્મ કે ગોડફાધર્સ થકી ગાંધીનગર અને દિલ્હી સુધી પહોંચનાર ઉચ્ચ વહીવટી અધિકારીઓ એવા કલેક્ટર્સની વહીવટી કુશળતા, શહેર-જિલ્લાના વિકાસમાં, વહીવટી વિશેષ યોગદાન અને રાજકીય નેતાઓની પણ લોકપ્રિયતા, સફળ પરિણામલક્ષી નેતૃત્વ-પ્રજાલક્ષી અભિગમની ચર્ચા છેડી છે. મારા પ્રથમ બ્લોગમાં માહિતી દોષના કારણે નાનકડા સુધારા મારા બ્લોગ રીડર્સ મિત્રોએ મને સૂચવ્યા છે, જેમાં સુરતના મ્યુ.કમિશનર તરીકે S.R. RAV ની યાદગાર સેવાઓ રહી છે, D. K. RAV નહીં, તેઓ તો છેવટે નૈના શાહની તંદુર કાંડમાં આરોપી બન્યા હતા, હા કંડલા પોર્ટ ટ્રસ્ટના વાઇસ ચેરમેન બનેલા..2012-2015 ટ્રાઈના ચેરમેન પણ બનેલા…DK RAV, IAS ભરૂચમાં 88-89-90 માં કલેકટર રહેલા…જો કે DK RAV, HRC ના મેમ્બર બન્યા પછી આંધ્રપ્રદેશથી રાજકિય મહત્વકાંક્ષાને લઈને લોકસભા પણ લઢયા હતા જે આખું પ્રકરણ ભારે વિવાદિત તબક્કે પહોંચ્યું…
સુરતનો ચહેરો બદલનારમાં 90 ના દાયકામાં પ્લેગ ફાટી નીકળ્યા પછી SMC ના કમિશ્નર SR RAV હતા…જેમને ગાંધીનગરનું પીઠબળ અને પોતાની બુદ્ધિ શક્તિ, કડક વહીવટી ક્ષમતાથી સુરત સોનાની મૂરત બનાવી આજે ગુજરાતની આર્થિક રાજધાની અને શ્રેષ્ઠ અને સુંદર શહેર બનાવી દીધું છે, જે જમીનોના ભાવમાં મુંબઈની તોલે આવી ચૂક્યું છે…SR RAV પણ ભરૂચના કલેકટર તરીકે 85-87 માં ફરજ બજાવી ચુક્યા હતા..
આપણે વાત ભરૂચ પર લઈ જઈએ, એ પહેલા એક સ્પષ્ટતા કરી લઉં, મીડિયા, એ સરકાર નથી, કે કોઈ અધિકારીઓનો CR-કોન્ફિડેન્સીયલ રિપોર્ટ બનાવે…યોગ્યતા કે સફળતાનો આંક આપે, પછી એ સરકારી ‘બાબુ’ હોય કે ચૂંટાયેલો નેતા-પદાધિકારી…પણ પ્રજા માનસ પર જે તે વ્યક્તિના કાર્યો-કર્મો-પ્રામાણિક અને નિષ્ઠા પૂર્વકના વહીવટ, પ્રજા માટેની ચિંતા, ન્યાય અને આત્મ જાગરૂકતા-શક્તિ…પ્રજાને એમના શાસન કાળ દરમ્યાન કંઈક યાદગાર, હકારાત્મક પરિણામો આપીને જવાની ભાવનાઓના આધારે તેમનું સર્વાંગી મૂલ્યાંકન કરી પ્રજા સમક્ષ મુકવાની પત્રકારની ફરજ હોય છે. મારા છેલ્લા 30-40 વર્ષના સક્રિય જીવનમાં સતત અવલોકનો કરતો રહ્યો છું, શહેર જિલ્લાની જનતાને ફિલ કરવાની-સતત અનુભવવાની કોશિશ કરી છે, અને નીડરતા અને નિષ્પક્ષપણે લખતો-બોલતો રહું છે. કેટલાક ઉચ્ચ અધિકારીઓ-નેતાઓએ ભરૂચ માટે કંઈક કરવાની ભાવનાઓથી સફળ-નિષ્ફળ પ્રયાસો તો કર્યા જ છે. રાજકિય રીતે પણ મારા ધ્યાને મારા મિત્રોએ એ વાત ધ્યાને લાવી કે નરેશભાઈ, ભરૂચના યશસ્વી નેતાઓમાં સ્વ.પિયુષ ઠાકોર કે જેઓ ભરૂચના MLA બની ઉદ્યોગ મંત્રી બન્યા હતા, એ વાત જુદી છે કે નવનિર્માણનું રાજકિય આંદોલન એમનો ભોગ લઈ ગયું, પણ ટૂંકા ગાળામાં સ્વ.ચીમનભાઈ પટેલની કોંગ્રેસી સરકારમાં ધ્યાન તરફી હોવા છત્તા પણ એમના પ્રયત્નો ભરૂચ માટે સકારાત્મક હતા. રાજ્યના નાણાંમંત્રી બનેલા જબુંસરના દિનેશ શાહ, સ્વ.મગનભાઈ સોલંકી, હરિસિંહ મહિડા, રતનસિંહ મહિડા, આ બધા મજબૂત અને સશક્ત જિલ્લાના નેતાઓ હતા. ભરૂચને GNFC કોણે અપાવી ?? એના પહેલા વહેલા ચેરમેન બનેલા IAS અધિકારી કોહેલો સાહેબને મોંઢામોઢ ‘અમે તમને પાણીચું પકડાવીએ છીએ’ કહીને, ભરૂચને ઉકાઈ જમણા કાંઠાની યોજનામાંથી ગડખોલથી ભરૂચને 24 MLD મીઠું પાણી અપાવનાર સ્વ.દિનેશ શાહ, પન્નાલાલ શાહ, ઈશ્વર દાજી પણ હતા…
આવા તો અસંખ્ય સંસ્મરણો છે જેને ક્યારેક અલગથી જોઈશું. આ બ્લોગ શ્રેણીમાં તો મહત્તમ IAS અધિકારીઓની જ વાત કરવી છે, ત્યારે બે ચાર ભૂતકાળના સંસ્મરણો વાગોળી લઈએ.કહેવાય છે કે આઝાદી સમયે અંકલેશ્વરના પાડોશી એવા હાંસોટમાંથી એક એવો તીવ્ર અવાજ ઉઠ્યો કે અમારે-આ વિસ્તારે પાકિસ્તાન સાથે જોડાવું છે..આ ઘણી ગંભીર બાબત હતી, તાત્કાલિક કેટલાક સ્વાતંત્ર્ય સેનાનીઓએ આ વાત સરદાર વલ્લભભાઈ પટેલને પહોંચાડી…વાતની ગંભીરતા પામી ગયેલા લોખંડી તત્કાલીન ગૃહમંત્રીએ સંયુક્ત રાજ્ય (ત્યારે ગુજરાત-મહારાષ્ટ્ર એક જ રાજ્ય હતું) ના વડા મોરારજી દેસાઈને આદેશ કર્યો કે ભરૂચ જિલ્લાને એક બાહોશ-સક્ષમ અને કડક કલેકટર આપો. સંયુક્ત મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી મોરારજી દેસાઈએ તાત્કાલિક એક કડક ICS અધિકારી LR ગોહિલને 26 જાન્યુ.1948 માં ભરૂચ મોકલ્યા, જેમણે 10 જ મહિનામાં આ પાકિસ્તાન તરફી અવાજને સફળતા પૂર્વક દબાવી દીધો.જો કે બીજા અગત્યના ટાર્ગેટ સોલ્વ કરવા 28/11/1948માં આ અધિકારીને બીજે જવું પડ્યું. એમની ખાલી જગ્યાએ તદ્દન ટૂંકા ગાળા માટે બે કલેકટરે શ્રીઓએ ફરજ બજાવી, HM દવે અને V.કુમારે…પણ પુનઃ ફરી એકવાર 26 જાન્યુ.1949 માં દલાલ સાહેબ પાછા કલેકટર પદે ચાર્જમાં આવ્યા…દરમ્યાન કહેવાય છે કે દુષ્કાળ પડ્યો…વિપરીત પરિસ્થિતિમાં સરકારના નિયમોને લઈ આ મહેસુલી અધિકારીએ દુષ્કાળ ગ્રસ્ત હાંસોટમાં એક મોટું તળાવ બનાવડાવ્યું…જે વરસાદી મોસમમાં હાંસોટ માટે બહુ ઉપયોગી સાબિત થયું. આ કલેકટરની પ્રજામાં પણ વહીવટી નિષ્ઠાની વાહવહી એટલી થઈ કે પ્રજાએ આ તળાવનું નામ ‘હંસા તળાવ’ આપવા જીદ પકડી અને તળાવને ‘હંસા તળાવ’ નામ પણ આપ્યું. હંસાબેન એ. દલાલ સાહેબની પત્નીનું નામ હતું. વણિક સમાજ માટે ગૌરવ રૂપ વાત એ હતી કે LR દલાલ, લલિતચંદ્ર દલાલ એક વણિક હતા, અને સંયુક્ત ગુજરાત રાજ્યમાં એક સફળ અને પ્રમાણિક અધિકારી ગણાતા હતા. સ્વ.મોરારજી દેસાઈ પણ કહેવાય છે કે ભરૂચનું કલેકટર પદ શોભાવી, ગોધરા ગયેલા…પણ સમય અંગ્રેજોનો હતો..જિલ્લાને મળેલા બાહોશ IAS અધિકારીઓમાં R.M. દેસાઈ, C.V. ભટ્ટ અને એક મહિલા ઉચ્ચ અધિકારી મિસ. R. D. પારેખ, રશ્મિબેન પારેખ પણ પ્રજા વત્સલ અને સફળ મહેસુલી અધિકારી બની રહ્યા. ટોચ મર્યાદાના કાયદા દરમિયાન રશ્મિબેન દવે એટલે એક એવું નામ હતું કે, એમની હાથ નીચેના અધિકારીઓ ફફડતા અને લોકોના કામો ફટાફટ નિપટાવતા હતા. મારા પિતા પણ સરકારી કર્મચારી હતાં, જેમના મોંઢે બચપણમાં અમને મિસ. રશ્મિબેન પારેખની કડકાઈના દાખલાઓ સંભળાવવામાં આવતા હતા…
ભાગ:3 હવે પછી..✍️(કર્મશ:)