Published By: Parul Patel
હોળી ધૂળેટીના પર્વમાં આદીવાસી સમાજમા અનોખો રંગ અને ઉમંગ જોવા મળે છે. રંગબેરંગી પહેરવેશ, ચાંદી અને અન્ય ધાતુના ચમકતા ઘરેણા, ખાસ પ્રકારના છૂંદણાં વિવિઘ સાજ શણગાર સજી આદિવાસીઓ હોળી ધૂળેટીનો પર્વ ઉજવે છે. આજ છે વર્ષોની પરંપરા જે આજે પણ અકબંધ રહી છે.
છોટા ઉદેપુરમાં હોળી ધુળેટીની આસપાસના દિવસોમા ભરાતા ભંગોરિયા કે ભોગરિયા હાટ કરીતે જાણીતા મેળો જોઈને આ બાબત યર્થાથ કે સાચી લાગે છે.
આદિવાસી સમાજ માટે હોળીનો તહેવાર મુખ્ય અને અતિ મહત્વનો ગણાય છે. આદિવાસીઓની ઘણી પરંપરાઓ આ રંગોત્સવ હોળીના પર્વ સાથે સંકળાયેલી છે. આ તહેવારને માણવા આદિવાસીઓ ખૂબ જ ઉત્સાહી હોય છે. હોળીના પંદર દિવસ પહેલાથી લોકો હોળી અને ધુળેટીના તહેવાર ની ઉજવણી માટે તૈયારી કરતા હોય છે. તેમાં સૌથી પ્રસિદ્ધ છે ભંગોરિયાનો મેળો. ભંગોરીયાએ કોઇ તહેવાર કે મેળા નહીં પણ હોળીના અગાઉના સપ્તાહમાં જે સ્થળે અઠવાડિક હાટ ભરાય છે તે જ સ્થળે હોળીના તહેવાર માટેની ખરીદી માટે ભરાતો પારંપારિક વિશેષ હાટ છે.
આદિવાસી વનવાસી પ્રજાની વસ્તી ધરાવતા છોટા ઉદેપુર જિલ્લામાં હોળી ધુળેટી નજીક આવતા આદિવાસી સંસ્કૃતિના અવનવા રંગો જોવા મળે છે. આદિવાસી લોકોમાં ઉજવાતો હોળીનો તહેવાર ફક્ત દેશ જ નહિ દુનિયામાં આકર્ષણનું કેન્દ્ર બને છે. હોળીના પાંચ દિવસ પહેલા અને હોળીના તહેવાર પછીના પાંચ દિવસ સુધી આદિવાસીઓ આ પર્વને ધામધૂમથી માણે અને ઉજવે છે. છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજના લોકો વર્ષોથી … સૈકાઓથી પોતાની આગવી સંસ્કૃતિ અને વિરાસતને સાચવી રાખી છે અને તેથીજ તેને કાયમી જાળવી રાખવા માટે ભંગોરીયા મેળા યોજતા હોય છે.
વર્ષો અગાઉ પહેલાના જમાનામાં ભીલ આદિવાસી રાજાઓ પોતાની પ્રજા માટે હાટની વ્યવસ્થા કરતા હતા. ત્યાર બાદ આની લોકપ્રિયતા વધતા આદિવાસીઓના વિવિધ ગામોમાં ભંગોરિયા હાટ મેળા યોજાય છે. ભંગોરિયા મેળામાં આદિવાસી યુવક યુવતીઓ હાટની ખરીદી માટે ઉમટી પડતા હોય છે. આદિવાસી પ્રજા હંમેશાંથી ઉત્સવ પ્રિય રહી છે તેમાંય તેમના પરંપરાગત તહેવારમાં તેમની આગવી સંસ્કૃતિ અને આગવા રંગ જોવા મળે છે. ખાસ કરીને છોટા ઉદેપુર જિલ્લાના આદિવાસીઓ અને મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાો જે ગુજરાતના સરહદી વિસ્તાર સાથે જોડાયેલો છે તે આદિવાસીઓ આ મેળામાં ઉમટી પડે છે.
કલરફૂલ કહેવાતા હોળી પર્વના આ મેળામાં એક સમાન એક અલગ જ પ્રકાર ના બનાવેલા પહેરવેશ મા યુવકો અને યુવતી મેળાની મજા માણતા હોય છે આ એક સમાન વસ્ત્રો આદિવાસીઓના ફળિયા અને વિશેષ જાતિની ઓળખ હોય છે. તેથી તેઓ એકસરખા વસ્ત્રો પહેરીને આવવાનું પસંદ કરે છે. આ મેળામાં કેટલાક યુવકો પરંપરાગત રામ ઢોલ અને પિહા વગાડતા જોવા મળે છે. તો યુવતીઓ આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે નાચગાન કરી મેળામા આનંદ મેળવે છે. આદિવાસી યુવક અને યુવતીઓમા ચાંદીના અને અન્ય ધાતુની ઘરેણાંની જોવા મળે છે, અવનવી ડિઝાઇનો જૉવા મળે છે તેમા પણ જે યુવતી જે ચાંદીના ઘરેણાં પહેરીને આવતી હોય છે. તેમાં ચાંદીના કડાં, ચાંદીના આંમળીયા, ચાંદીના પાંચીયા, ચાંદીના બાહટીયાં, ચાંદીની હાંકળી(સાંકળી), ચાંદીના કહળા (કંદોરા), કેડ ઝૂડો, ચાંદીના લોળીયા, ચાંદીના વિટલા, આમ તમામ આભૂષણો ચાંદીના જ હોય છે. તો યુવકો હાથમાં ચાંદીના કડા અને પગનો તોડા આકર્ષણનું કેન્દ્ર બને છે. આમ હોળી ધૂળેટીના પર્વને આદિવાસી સમાજ મનમૂકીને ઉજવે છે.