Published By : Parul Patel
- કલ્પસર પ્રોજેકટનો માત્ર ડેમ બનાવવો હોય તો 1 લાખ 90 હજાર કરોડ ખર્ચ
- ડ્રાફટ DPR સરકારને સુપરત, હજી ફાઇનલ DPRની પ્રતીક્ષા
- કેન્દ્ર ટર્મ્સ ઓફ રેફરન્સ બનાવીને આપે એ પછી પર્યાવરણીય અભ્યાસ
- 7807 મિલિયન ઘનમીટર મીઠું પાણી ઉપલબ્ધતા, જળાશયનો વ્યાપ આશરે 2000 કિલોમીટર, યોજના પાછળ 28 વર્ષમાં 278 કરોડનો ખર્ચ
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-25-at-2.46.43-PM-1024x298.jpeg)
ખંભાતના અખાતમાં મીઠા પાણીનું સરોવર રચી ભરૂચથી ભાવનગરને દરિયામાં 26 કિમી લાંબો બ્રિજ બનાવી જોડવાની મહ્ત્વકાંક્ષી કલ્પસર યોજના બુલેટ ટ્રેન પ્રોજેકટને પણ ખર્ચની દ્રષ્ટિએ ઓવરટેક કરી ગઈ છે.
ગુજરાત સરકારના છેલ્લા 28 વર્ષથી સપનું બની રહેલા કલ્પસર પ્રોજેકટનો ડ્રાફટ ડીપીઆર ડિટેઇલ પ્રોજેકટ રિપોર્ટ ભારત સરકારના અર્થ સાયન્સ મંત્રાલયની સંસ્થા-નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ-એનસીસીઆર દ્વારા રાજય સરકારને સોંપી દેવાયો છે.
ડાઇક કલોઝર તથા ડેમની ગેટ ડિઝાઇન સાથેનો ફાઇનલ રિપોર્ટ હવે ટૂંક સમયમાં આવવામાં છે. ડીપીઆર પહેલાં પ્રોજેકટનો ખર્ચ જે ₹92000 કરોડનો કાચો અંદાજ હતો, તે હવે આજની કિંમતે ₹1.90 લાખ કરોડ ઉપર પહોંચ્યો છે. જોકે આ ખર્ચમાં ખંભાતના અખાતમાં પશ્ચિમ કિનારે ભાવનગરથી પૂર્વ તરફ ભરૂચ જિલ્લામાં દહેજ નજીક પાણિયાદરા વચ્ચે દરિયામાં સૂચિત 26.70 કિલોમીટર લાંબા ડેમના ખર્ચનો જ સમાવેશ થાય છે.
આશરે સૂચિત 42 તાલુકાના 9,99,611 હેકટર કમાન્ડ વિસ્તારમાં કેનાલ નેટવર્કિંગ તથા પાઇપલાઇનો બિછાવવાનો ખર્ચ આમાં ગણાયો નથી. અધિકારીઓ ડ્રાફટ ડીપીઆરની વિગતો આપતા ખચકાઈ રહ્યા છે, પણ એવી અછડતી માહિતી આપી રહ્યા છે કે, માત્ર ડેમ પ્રોજેકટ માટે જ અંદાજે 600 હેકટર જમીનની જરૂર પડશે, જે પૈકી દસેક ટકા ખાનગી જમીન સંપાદન કરવાની થશે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-25-at-2.46.42-PM-1024x298.jpeg)
સમગ્ર પ્રોજેકટથી પર્યાવરણ ઉપર થનારી સંભવિત અસરો વિશેની પૃચ્છાના સંદર્ભમાં સૂત્રો કહે છે કે, પર્યાવરણીય મંજૂરી તથા સીઆરઝેડ મંજૂરી માટે મેળવવાના થતાં ટર્મ્સ ઓફ રેફરન્સ માટે કેન્દ્ર સરકારના વન-પર્યાવરણ મંત્રાલય હેઠળની એકસપર્ટ અપ્રેઇઝલ કમિટી સમક્ષ કલ્પસર પ્રોજેકટ છેલ્લે સપ્ટેમ્બર 2022 માં રજૂ કરાયો હતો અને હવે ફાઇનલ ડીપીઆર ઉપરથી કેન્દ્ર સરકાર ટર્મ્સ ઓફ રેફરન્સ તૈયાર કરશે, અને એ મળ્યા પછી પર્યાવરણીય અભ્યાસને લગતી કામગીરી ચાલુ કરવામાં આવશે.
બોક્સ અત્યાર સુધી અભ્યાસો પાછળ 23 વર્ષમાં 296 કરોડ ખર્ચાયા
કલ્પસર યોજના માટે જરૃરી જુદા જુદા 33 કરતાં વધુ ટેકિનકલ અભ્યાસો પાછળ ₹ 295.68 કરોડ ખર્ચાઈ ચૂકયાં હોવાનું જણાવાઈ રહ્યું છે. જોકે આ ખર્ચ 2002-03 માં કલ્પસર વિભાગની રચના થઈ ત્યારથી માંડીને અત્યાર સુધીનો છે. કેશુભાઈ પટેલની સરકારે 1995 થી માંડીને 2001 સુધી આ યોજનાને નામે કરોડો રૃપિયા ખર્ચ્યા છે, જે દર્શાવાયેલા ખર્ચમાં સામેલ નથી.
બોક્સ : શું છે કલ્પસર યોજના
ભાવનગર-ભરૂચ વચ્ચે 26.70 કિલોમીટર લાંબો બંધ, આંતર ભરતી ક્ષેત્રમાં 33.43 કિલોમીટર લંબાઈમાં પાળા. કલ્પસર જળાશયમાં સાબરમતી, મહી, ઢાઢર, નર્મદા (ડાયવર્ઝન કેનાલ મારફતે) તથા સૌરાષ્ટ્રની 7 નદીઓ-લીંબડી-ભોગાવો, વઢવાણ ભોગાવો, સુખભાદર, ઉતાવળી, કેરી, ઘેલો અને કાળુભાર નદીઓનું પાણી એકત્ર થશે. 50 ટકા વરસાદની સંભાવનાએ 3770 મિલિયન ઘનમીટર તથા 75 ટકા વરસાદની સંભાવનાએ 7807 મિલિયન ઘનમીટર મીઠું પાણી ઉપલબ્ધ થશે.
જળાશયનો વ્યાપ આશરે 2000 કિલોમીટર. બંધની મહત્ત્।મ ઊંચાઈ 49 મિટર, બંધની પહોળાઈ 421 મિટર. બાંધકામનો સમયગાળો-આશરે 8 વર્ષ. યોજના દ્વારા સૌરાષ્ટ્રમાં 10 લાખ હેકટર જમીનને સિંચાઈ માટે 4375 મિલિયન ઘનમીટર, પીવા માટે 1000 મિલિયન ઘનમીટર તથા ઔદ્યોગિક વપરાશ માટે 450 મિલિયન ઘનમીટર પાણી મળે તેવો અંદાજ છે.