ભરૂચ જિલ્લામાં કેમિકલ ક્લસ્ટરની અંકલેશ્વરની પાનોલી જીઆઇડસીમાંથી ડ્રગ્સ ફેકટરી પકડાતા ખળભળાટ મચી ગયો છે.પાનોલી જીઆઇડીસીમાં આવેલી ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપની વર્ષ 2017માં શરૂ થઇ હતી.5 એફ સિન્થેટિક ઓર્ગેનિક કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝમાં ડાયઝ અને ડાય ઇન્ટરમીડિયેટનું ઉત્પાદન કરવાનું હતું.જોકે આજે આ કંપનીમાં મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલના વેલી યુનિટે એમડી ડ્રગ્સના 1000 કરોડ ઉપરાંતના જથ્થાનો ઘટસ્ફોટ થયો છે.

ઓપરેશનમાં એટીએસના આધારે મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલ સાથે ભરૂચ એસ.ઓ.જી.પી.આઈ. વી.બી. કોઠીયા અને એલસીબી પી.આઈ. કરણસિંહ મંડોરા સહિતના જોડાયા હતા. કેમિકલ ડાયઝના નામે એમડી ડ્રગ્સના આ કારોબારમાં સોમવાર સાંજથી દરોડાની કામગીરી ચાલી રહી છે.ભરૂચ જિલ્લાના ઇતિહાસમાં ડ્રગ્સની આ સૌથી મોટી રેડ અને સૌથી વિપુલ જથ્થો પકડાયો છે. લગભગ 513 કિલો એમ.ડી. ડ્રગ્સ જેની ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમત રૂપિયા 1026 કરોડ જેટલી થાય છે.ઓપરેશનમાં જોડાયેલી ટીમોએ 1000 કરોડ ઉપરાંતના ડ્રગ્સના જથ્થા સાથે મહિલા સહિત 7 આરોપીઓની પણ ધરપકડ કરી હોવાની વિગતો બહાર આવી છે. જો કે ઓપરેશન પૂર્ણ થયા બાદ જ સત્તાવાર માહિતી સાંપડશે.