ભરૂચના કોલેજ રોડ સ્થિત આત્મીય હોલ ખાતે વિધાનસભા મુખ્ય નાયબ દંડક દુષ્યંત પટેલ અને જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલની ઉપસ્થિતિમાં ઇ FIR અંગે ચાર કોલેજના છાત્રોને માર્ગદર્શન અપાયું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તાજેતરમાં જ ગુજરાત પોલીસની ઇ-FIR સેવા લોન્ચ કરાઈ હતી. વાહન અને મોબાઈલ ચોરીના ગુનામાં લોકોને પોલીસ સ્ટેશન જવું ન પડે તેમજ ધક્કા ખાવા ન પડે તે માટે લોન્ચ કરાયેલ આ સેવા અંગે હાલ જિલ્લા પોલીસ કેમ્પો યોજી લોકોને માહિતગાર કરી રહી છે આવો જ કાર્યક્રમ ચાર કોલેજના વિધાર્થીઓ માટે આત્મીય હોલ ખાતે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આયોજિત કરાયો હતો.

ધારાસભ્ય દુષ્યંત પટેલ, પોલીસ વડા ડો. લીના પાટીલે વિદ્યાર્થીઓને આ સેવા અંગે જાગૃત કર્યા
ધારાસભ્ય દુષ્યંત પટેલે ઇ-FIR સેવા વિધાર્થીઓ માટે કેટલી ઉપયોગી છે તે અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે વિધાર્થીઓ સિટીઝન પોર્ટલ અને સિટીઝન ફર્સ્ટ એપ પરથી કઈ રીતે આ સેવાનો લાભ લઇ શકે છે તે અંગે વિધાર્થીઓને માહિતગાર કર્યા હતા.સાથે જ શી ટીમ, વન સ્ટોપ સેન્ટર, 181 અભિયમની પણ વિશેષ સમજ આપવામાં આવી હતી. આ અંગે પ્રેઝન્ટેશન પણ બતાવવામાં આવ્યું હતું. જાગૃતિ કાર્યક્રમમાં વિધાર્થીઓ, પ્રિન્સિપાલ, સ્ટાફ, પ્રોફેસર, અગ્રગણ્ય નાગરિકો, સી ડિવિઝન પી.આઈ.ઉનડકટ, મહિલા અને પોલીસ સ્ટાફ મોટી સંખ્યામાં જોડાયો હતો.