- ભરૂચ, જંબુસર અને રેલવે ડિવિઝને પકડેલા ₹3.50 કરોડ ઉપરાંતના દારૂનો નાશ કરાયો
- વિડીયોકોન કંપનીના માર્ગ ઉપર દારૂ-બિયરની બોટલો પાથરી બુલડોઝર ફેરવી દેવાયું
આજે ગાંધી નિર્વાણ દિને જ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી વચ્ચે વર્ષ દરમિયાન ભરૂચ, જંબુસર અને રેલવે ડિવિઝનમાં ઝડપાયેલા દારૂના ₹3.50 કરોડના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી દેવાયું હતું.
ભરૂચ, જંબુસર અને રેલવે ડિવિઝનમાં સમાવિષ્ટ એ,બી,સી ડિવિઝન પોલીસ મથક. ભરૂચ તાલુકા, વાગરા, જંબુસર, આમોદ, દહેજ, વેડચ, નબીપુર, કાવી, ભરૂચ રેલવે સહિતના પોલીસ સ્ટેશનમાં વર્ષ દરમિયાન લાખો રૂપિયાનો દારૂ પકડાયો હતો.
જે દારૂના મુદામાલના નિકાલ માટે ડીવાયએસપી, કોર્ટ અને પ્રોહીબિશન એક્સાઇઝ દ્વારા મંજૂરી મળતા આજે સોમવારે નાશ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.

ભરૂચ પ્રાંત અધિકારી, ડીવાયએસપી, અન્ય અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં ત્રણેય ડિવિઝનના પોલીસ મથકોમાં વર્ષ દરમિયાન ઝડપાયેલો દારૂનો જથ્થો ચાવજ રોડ ઉપર આવેલી બંધ કંપની ખાતે લવાયો હતો.
ચાવજની વિડીયોકોન કંપનીના માર્ગ ઉપર 70 હજારથી વધુ દારૂની બોટલો પાથરી તેના ઉપર બુલડોઝર ફેરવી દેવાયું હતું. તંત્ર દ્વારા કુલ રૂપિયા 3.50 કરોડથી વધુના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.