Published By : Parul Patel
- બૌડાએ જમીન માલિકોના વાંધા, સૂચનો મેળવ્યા, નકશાઓ રજુ કરાયા
- ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ સામે 40 ટકા કપાતને લઈ વિરોધ
- છ જેટલી માંગો સ્વિકારાય તો ટાઉન પ્લાનિંગ સ્કીમ આવકાર્યનો ગ્રામજનોનો સુર
ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ બૌડાની રચનાના 11 વર્ષ બાદ આજે તવરાની પેહલી 5 ટાઉન પ્લાનિંગ સ્કીમના સૂચિત મુસદા માટે બીજી ઓનર્સ મીટ મળી હતી.
તવરા ગ્રામ પંચાયત ખાતે બૌડા દ્વારા તવરા ગામ વિસ્તારવાળી મુસદ્દારૂપ નગરયોજના રચનાની 5 ટીપી સ્કીમ માટે જમીન માલિકો સાથે 9 મહિના બાદ બીજી ઓનર્સ મીટનું આયોજન કરાયું હતું. તવરા ગામ વિસ્તારની સૂચિત મુસદ્દારૂપ યોજનાના નકશા પણ મુકવામાં આવ્યા હતા.તવરામાં સૂચિત 5 ટીપી સ્કીમ આવવાથી લોકોને ઈન્ફ્રાસ્તકચરની તમામ સુવિધા સાથે પોહળા રસ્તા, ડ્રેનેજ, પીવાનું પાણી, બગીચા, શાળા, હોસ્પિટલો મળશે.
બૌડાના મુખ્ય કારોબારી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાંધલે તવરા ગામ સૂચિત મુસદ્દારૂપ યોજનાના આયોજનનો ઉદ્દેશ સમજાવ્યો હતો. સાથે જ ગ્રામજનો 7 દિવસમાં તેઓના વાંધા સૂચન રજૂ કરી શકશે. આજની બેઠકમાં બૌડાના રીતેશ અમીન, ટેક્નિકલ ઓફિસરો અને નિષ્ણાંતોની ટીમે લોકોને વિગતવાર માહિતગાર કર્યા હતા.જોકે 40 ટકા કપાતને લઈ ખેડૂતો અને જમીન માલિકોમાં આંતરિક કચવાટ જોવા મળ્યો હતો. હવે કેટલા વાંધા સૂચનો આવે છે અને આગળ તેનો વિરોધ થાય છે કે નહીં તે તો આગામી સમયમાં જ બહાર આવશે.ગ્રામજનો અને ખેડૂતોમાં ટીપી સ્કીમને લઈ વિરોધ અને સમર્થન ભાગલા જોવા મળ્યા હતા. ખેડૂતોના મત મુજબ જો 40 % થી ઓછી કપાત, જમીનના ટુકડા અટકાવાઈ, સમાન આકાર, જ્યાં જેની જમીન છે ત્યાં જ અપાઈ. મોકાની જમીન જે મૂળ માલિક છે તેને જ ફળવાઈ તો ટીપી સ્વીકાર્યનો સુર વ્યક્ત કર્યો હતો.