published by : Rana kajal
- ફાયર NOC ન હોય ગાંધીનગર અને સુરત રીજનલ ફાયર ઓફિસરના આદેશથી કાર્યવાહી
- ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા ટાણે ક્લાસિસો પણ સીલ કરાતા ભારે દેકારો
- શો-રૂમ, દુકાનોવાળાઓના સામાન સાથે જ દુકાનોને સિલિંગથી ભારે નારાજગી
ભરૂચ પાલિકાના ફાયર ઓફિસરે ગાંધીનગર અને સુરતના ફાયર ઓફિસરના આદેશથી તુલસીધામ સ્થિત હરિહર કોમ્પ્લેક્ષની 280 દુકાનોને ફાયર સેફટીના અભાવે સીલ મારી દેતા દેકારો મચી ગયો છે.
ઝાડેશ્વર રોડ ઉપર આવેલા હરિહર કોમ્પ્લેક્ષમાં ફાયર સેફટીની કોઈ સુવિધા ન હોય ગાંધીનગર અને સુરત રિજનલ ફાયર ઓફિસર દ્વારા ફાયર એન.ઓ.સી. વિનાના શોપિંગ કોમ્પ્લેક્ષને સીલ મારવા હુકમ કરાયો હતો. ભરૂચ પાલિકાના ફાયર ઓફિસર ચિરાગ ગઢવી દ્વારા હરિહર કોમ્પ્લેક્ષ પંચાયત વિસ્તારમાં આવતું હોવા છતાં સિલિંગની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
ભરૂચ પાલિકાની ફાયર વિભાગની ટીમ સોમવારે સાંજે હરિહર કોમ્પ્લેક્ષ ઉપર સિલિંગ મારવા પોહચતા કલાસીસના સંચાલકો, દુકાનદારો, શો-રૂમ ધારકોએ રજૂઆત સાથે હોબાળો મચાવ્યો હતો. ફાયર એન.ઓ.સી. વિનાની એક બાદ એક તમામ 280 દુકાનોને સરસામાન સાથે સીલ મારવામાં આવતા વેપારીઓ, દુકાનદારો અને કલાસીસના સંચાલકોમાં ભારે નારાજગી વચ્ચે વિરોધ જોવા મળ્યો હતો.
ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા નજીક હોય ત્યારે ટ્યુશન ક્લાસિસોને પણ સીલ મારી દેતા સંચાલકોએ વિદ્યાર્થીઓના ભાવિ બગડવાનો ભય વ્યક્ત કર્યો હતો. તો દુકાનદારોએ સિલિંગ વચ્ચે તેમનો સામાન, અનાજ, પાણી, ખાણીપીણીની વસ્તુઓ બગડી જવા સાથે ભારે નુક્શાનીની દહેશત વ્યક્ત કરી હતી.
આજે મંગળવારે પણ સમગ્ર હરિહર કોમ્પ્લેક્ષ ફાયર સેફટીની ગાજમાં સીલ રહી સુમસામ ભાસતું નજરે પડ્યું હતું. જ્યારે દુકાનદારોએ ફાયર એન.ઓ.સી. લેવા હવે રઝળપાટ કરવાનો વારો આવ્યો છે.