Published by : Rana Kajal
- સુરત વિજિલન્સ, GUVNL અને ભરૂચ પોલીસ સામે આ વખતે ન ચાલ્યો, ઘર ખોલાવી કરાયું ચેકીંગ
- ભૂતકાળમાં વીજ ચેકીંગમાં ઘર્ષણ ઉભું કરવા બાદ હવે ચેકીંગથી બચવા ઘર બંધ કરી જતા રહેવાની વૃત્તિ
- બે ગામમાં 4 કલાક ભારે બંદોબસ્ત સાથે ચાલેલા 1673 જોડાનોના વીજ ચેકીંગમાં 73 માંથી ચોરી ઝડપાઇ
ભરૂચ તાલુકાના કંથારીયા અને દયાદરા ગામે ભૂતકાળમાં ઘર્ષણની ઘટનાઓને ધ્યાને રાખી સુરત વિજિલન્સ, GUVNL, DGVCL ની ટીમો ભરૂચ જિલ્લા પોલીસનો ભારે બંદોબસ્ત લઈ આજે ગુરૂવારે ચેકીંગમાં ઉતરી હતી.
અગાઉના ચેકીંગમાં આ ગામોમાં લોકો ટોળા ભેગા કરી વીજ ચેકીંગનો વિરોધ નોંધાવી ઘર્ષણ ઉભું કરતા હતા. જોકે આ વખતે વીજ ચેકીંગથી બચવા કે છટકવા વીજ ચોરી કરતા તત્વોએ નવો જ કિમિયો અપનાવ્યો હતો. જે દક્ષિણ ગુજરાત વીજ કંપની સુરત કોર્પોરેટ કચેરી વિજિલન્સના સુપ્રીટેન્ડન્ટ અધિક્ષક જી.વી. પટેલ અને તેમની ટીમ સમક્ષ કારગત રહ્યો ન હતો.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/03/d862e4e9-b84b-462a-be6a-c8b395319af6.jpg)
સુરત વિજિલન્સ વિભાગના SE જી.વી. પટેલ અને ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલના માર્ગદર્શન હેઠળ આજે ભરૂચ DGVCL ના ગ્રામ્ય વિભાગના દયાદરા તેમજ કંથારિયા ગામે વીજ ચેકીંગનું આયોજન કરાયું હતું.
બન્ને ગામોમાં વિજિલન્સ, GUVNL, DGVCL ભરૂચની કુલ 193 ટીમોએ વાહનો સાથે સવારે 5 વાગ્યે ધામાં નાખ્યા હતા. સાથે સુરક્ષા બંદોબસ્ત માટે GUVNL, DGVCL અને ભરૂચ જિલ્લા પોલીસની ટીમનો કાફલો જોડાયો હતો.
વીજ ચેકીંગ હાથ ધરનાર હોવાની જાણ થતાં જ બન્ને ગામોના કેટલાય ઘરોને તાળા વાગી ગયા હતા. વીજ ટીમો દ્વારા સવારે પોણા 7 કલાકથી ચેકીંગ શરૂ કરી દેવાયું હતું.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/03/8e3f73b2-3b94-4694-af70-2ae27539190e.jpg)
વીજ ચેકીંગથી બચવા ઘર બંધ કરી નીકળી ગયેલા વીજ ધારકોને પરત બોલાવી તેમની હાજરીમાં તેઓના વીજ જોડાણોની તપાસ કરાઈ હતી. વીજ તંત્રે સવારે 11 વાગ્યા સુધી 4 કલાકમાં કુલ 1673 જોડાણોની ચકાસણી કરી હતી. જે પૈકી સીધી કે આડકતરી રીતે વીજ ચોરી કરતા 73 જોડાણ ધારકો ઝડપાઇ ગયા હતા. બન્ને ગામોના આ 73 જોડાણોમાંથી ₹56.39 લાખની માતબર વીજ ચોરી પકડી પાડી આકારણી કરવામાં આવી હતી.