તળાવ નજીક ઘટાદાર વૃક્ષો આવેલા છે અને વૃક્ષોના કારણે વિસ્તારમાં વિદેશી પક્ષીઓ માટે અનુકૂળ વાતાવરણ માનવામાં આવે છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં વિદેશી પક્ષીઓને અનુકૂળ વિસ્તાર માનવામાં આવે છે.ગેલાણી કુવા અને વાવ ફળિયા સહિત આજુબાજુના સમગ્ર વિસ્તારમાં હજારોની સંખ્યામાં વૃક્ષો આવેલા છે, જેના કારણે આ વિસ્તારમાં સીઝન મુજબ વિદેશી પક્ષીઓ આગમન કરતા હોય છે. વિદેશમાં દરિયામાં વસતા, ગીધ જેટલુ ઉડાન કરી રહેલા અને પીળી ચાંચ ઢાંક તરીકે ઓળખાતા વિદેશી પક્ષી હાલ ભરૂચના મહેમાન બન્યા છે અને શહેરના ગેલાણી તળાવની આજુબાજુ રહેલા સંખ્યાબંધ વૃક્ષો ઉપર વિદેશી પક્ષીઓએ માળાઓ તૈયાર કર્યા છે.
પતંગ દોરીથી કેટલાય વિદેશી પક્ષી ઇજાગ્રસ્ત થાય છે
રેસ્ક્યુ એન્ડ રિહેબ ફાઉન્ડેશનના આકાશ પટેલે જણાવ્યું હતું કે, ઓગસ્ટ મહિનાના પ્રારંભથી વિદેશી પક્ષીઓનું આગમન થતું હોય છે અને વિદેશી પક્ષીઓ ફેબ્રુઆરીના અંત સુધીમાં માળા બનાવ્યા હોય ત્યાં વસવાટ કરી બચ્ચાઓને જન્મ આપતા હોય છે. બચ્ચાના જતન માટે વિદેશી પક્ષીઓ ખોરાકની શોધ માટે સવાર સાંજ નીકળતા હોય છે. જેના કારણે ઉતરાયણમાં પતંગ દોરીથી કેટલાય વિદેશી પક્ષી ઇજાગ્રસ્ત બને છે. જીવદયા પ્રેમીઓ સવારે 6 થી 8 અને સંધ્યાકાળે 5 થી 7 સુધી પતંગ ન ચગાવવા અપીલ કરી રહ્યા છે. આ પક્ષીઓ માત્ર કોઈ એક દેશમાંથી નહીં પરંતુ તમામ એશિયન દેશોમાંથી આવતા હોવાનું માનવામાં આવે છે.ભરૂચના ગેલાણી તળાવ વિસ્તાર અનેક દેશના પક્ષીઓ માટે અનુકૂળ માનવામાં આવે છે.