– વર્ષ 2003 માં LCB એ પકડેલા મુદામાલના રોકડા બી ડિવિઝન પોલીસ મથકમાં મુકાયા હતા
– ક્રાઈમ રાઈટર હેડ, કોન્સ્ટેબલ સહિત 3 પોલીસ કર્મીઓએ પ્લાન બનાવી રૂપિયા ચોરી કર્યા હતા
– બાદમાં બાકોરું પાડી ચોરી થઈ હોવાની વાર્તા ઘડી કાઢી પણ ષડયંત્રમાં સફળ ન થયા
ભરૂચ ચીફ મેજિસ્ટ્રેટની કોર્ટે 19 વર્ષ પહેલાંની શહેરના બી ડિવિઝન પોલીસ મથકના મુદ્દામાલ રૂમમાંથી 3 પોલીસ કર્મીઓએ જ ₹25 લાખની કરેલી ચોરીમાં 13 વર્ષની સાદી સજાનો હુકમ કર્યો છે.
વર્ષ 2003 માં 12 જૂન ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે શહેરના પશ્ચિમ વિસ્તારમાંથી જીલાની એસ.ટી.ડી. પી.સી.ઓ. માંથી હવાલા કાંડના આરોપીઓને રૂપિયા 25 લાખ રોકડા સાથે પડકી લીધા હતા.
જે મુદ્દામાલ શહેર બી ડિવિઝનના મુદ્દામાલ રૂમમાં સલામત રાખવામાં આવ્યા હતા. જેની ચાવી તે સમયે ફરજ બજાવતા ક્રાઈમ હેડ રાઇટર રસિક જાતરભાઈ વસાવા, કોન્સ્ટેબલ રાજેન્દ્ર પરસોતમ પટેલ અને અશ્વિન સુકાભાઈ કટારા પાસે હોય તે સમયના પી.આઈ. રજા ઉપર હોય આ લાખોની રકમ ચોરી કરવા 21 જુલાઈ 2003 ના પ્લાન ઘડી કાઢ્યો હતો.
રૂપિયા 25 લાખ ત્રણેય પોલીસ કર્મીઓએ ચોરી પ્લાન મુજબ મુદ્દામાલ રૂમની પાછળ બાકારું પાડ્યું હતું. જોકે તેઓ ઝડપાઇ જવા સાથે ચોરેલો મુદ્દામાલ રીકવર કરાયો હતો.

પોલીસ સ્ટેશનમાં જ 25 લાખની ચોરીની સનસનીખેજ ઘટનામાં તત્કાલીન રેન્જ આઈ.જી. રાકેશ આસ્થાના ભરૂચ દોડી આવી તે સમયે જિલ્લા પોલીસ વડા અમરસિંગ વસાવાને તલસ્પર્શી તપાસના આદેશ આપ્યા હતા. જેમાં તપાસમાં 3 પોલીસ કર્મીઓ જ ચોર નીકળતા રોકડા રિકવર કરી તેઓની ધરપકડ કરાઈ હતી. આ કેસ ભરૂચ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પી.ડી.જેઠવાની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં સરકારી વકીલ તરીકે આર.કે.પટેલ અને ત્યારબાદ હાલના એ.બી.ધાસુરાએ દલીલો કરી હતી.
કોર્ટની ટ્રાયલ દરમિયાન આરોપી પોલીસ કર્મી અશ્વિન કટારા મૃત્યુ પામ્યા હતા. સરકારી વકીલ ધાસુરાએ દલીલમાં કોર્ટને કહ્યું હતું કે, આ સમાજ સાથે ગંભીર વિશ્વાસઘાત છે. સમાજ ઉપરનો ગંભીર પ્રકારનો ગુનો કડકમાં કડક સજા થવી જોઈએ.

ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પી.ડી. જેઠવાએ તમામ પુરાવાઓ, દલીલો ધ્યાને લઇ ગુરૂવારે ચુકાદો આપતા કહ્યું હતું કે, જાહેર નોકરનો આ સમાજ વિરોધી ગંભીર ગુનો છે. જેમાં બન્ને પોલીસ કર્મીઓ રસિક વસાવા અને રાજેન્દ્ર પટેલને સરકારી મુદ્દામાલની ચોરી, ષડયંત્ર, મદદગારી સહિતના ગુનામાં કસૂરવાર ઠેરવી 13 વર્ષની સાદી કેદની સજા ફરમાવી છે. સાથે જ બન્ને આરોપી પોલીસ કર્મીઓને રૂપિયા 20 હજારનો દંડ પણ ફટકારાયો છે.