Published By:-Bhavika Sasiya
- હેવી પેવર બ્લોક 900 મીટરના રસ્તાની અડધે પોહચેલી કામગીરીમાં જ ત્રીજી વખત તૂટ્યું ઢાંકણ.
- રોડની ગુણવત્તા અને મટિરિયલ્સ પર ઉઠી રહ્યાં છે ખરાબ કામગીરીના અનેક સવાલો.
ભરૂચનો પાંચબત્તીથી સેવાશ્રમ થઈ શક્તિનાથ રેલવે અંડરબ્રિજનો 900 મીટરના મોંઘેરા માર્ગના ઢાંકણા તકલાદી પુરવાર થઇ રહ્યાં છે.
સેવાશ્રમ રોડ પર વેપારીઓ, દુકાનદારો, વાહન ચાલકો અને રાહદારીઓને છેલ્લા 35 થી 40 વર્ષથી ભોગવવી પડતી વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે હેવી પેવર બ્લોકનો માર્ગ ઉકેલ તરીકે રજૂ કરાયો હતો.
જેનું વિધિવત ભૂમિપૂજન કરી 900 મીટરના રસ્તા પર અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈન બિછાવી ₹3 કરોડના ખર્ચે હેવી પેવર બ્લોક લગાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ હતી.

આ કામગીરીને દોઢ મહિનાનો સમય થઈ ગયો છે. અડધા રસ્તામાં પેવર બ્લોક લગાવી દેવાયા છે. અને બનાવેલી ડ્રેનેજો પર કહેવાતા RCC ના ઢાંકણ પણ લગાડવામાં આવ્યા છે. જોકે આ ઢાંકણા લગાડવામાં આવ્યા ત્યારથી અત્યાર સુધી 3 ઢાંકણ તૂટી ચુક્યા છે. એક મોપેડ ચાલકનું તો તેમાં શીર્ષાસન પણ થઈ ચૂક્યું છે.
ઢાંકણ તૂટવાનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ત્યારે શહેરીજનો ઢાંકણની ગુણવત્તા સામે સવાલ ઉઠાવી રહ્યાં છે. રસ્તો નિર્માણાધિન છે ત્યારે જ ઢાંકણ તૂટી રહ્યાં છે તો બની ગયા બાદ શું સ્થિતિ સર્જાશે તેની અટકળોનો અંત ઢાંકણ તૂટવા સાથે જ આવી રહ્યો નથી.