Published by : Rana Kajal
- અંકલેશ્વરના કાપોદ્રાના ગાડીની લે વેચ કરતા આરોપી સામે છેતરપિંડીની ફરિયાદ કરતા ધરપકડ
- કાર બારોબાર વેચી હપ્તા પણ ન ભર્યા કે પુરા રૂપિયા પણ ન આપ્યા
ભરૂચના સિવિલ કોન્ટ્રાક્ટરે કાપોદ્રાના કાર લે વેચ કરતા દલાલ સામે રૂપિયા 4.21 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી.
ભોલાવની સમૃદ્ધિ સોસાયટીમાં રહેતા સિવિલ કોન્ટ્રકટર મુગેન્દ્રસિંહ સોલંકીએ કાપોદ્રાની સન ફ્લોરા રેસિડેન્સીમાં રહેતા પ્રકાશ યાદવના પરિચયમાં આવ્યા હતા. કિંમમાં ગેરેજ ધરાવતા અને કાર લે વેચ કરતા પ્રકાશ યાદવ પાસેથી સિવિલ કોન્ટ્રાક્ટરે વોકસવેગન ઝેટા કાર સેકન્ડમાં ખરીદી હતી. જેના ઉપર લોન પણ કરાવી હતી. ફેબ્રુઆરીમાં આ કાર પરત દલાલને રૂપિયા 5.71 લાખમાં વેચવા આપી હતી. ત્યારે વિશ્વાસ ઉપર નક્કી કરાયું હતું કે કાર વેચાય નહિ ત્યાં સુધી હપ્તા દલાલ ભરશે.
જોકે દલાલે કાર માલિકની જાણ બહાર ગાડી બરોબાર વેચી મારી હતી. ફરિયાદી નાણાં માંગવા જતા ટુકડે ટુકડે રૂપિયા 1.49 લાખ આપ્યા હતા. બાકીના 4.71 લાખ નહિ આપી અને હપ્તા પણ ન ભરતા અંતે કાર માલિકે પ્રકાશ યાદવ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. અંકલેશ્વર શહેર પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.