Published by: Rana kajal
- સત્યનારાયણની કથા, ફટાકડા ફોડી 5 દિવસ બાદ દુકાનો ખુલતા કરાઈ ઉજવણી
- ફાયર NOC વિના પાલિકાએ સીલ મારેલી 280 દુકાનો ફરી ખુલતા યોજ્યો જમણવાર
તુલસીધામ સ્થિત હરિહર કોમ્પ્લેક્ષની ફાયર NOC વિના સીલ કરી દેવાયેલી 280 દુકાનો 5 દિવસ બાદ ફરી ખુલતા દુકાનદારોએ ઉત્સવની જેમ ઉજવણી કરી હતી.
ભરૂચ ફાયર બ્રિગેડ દ્વારા તુલસીધામના હરિહર કોમ્પ્લેક્ષમાં આવેલી તમામ દુકાનોને ફાયર NOC નહિ હોવાથી સાગમટે સીલ કરી દીધી હતી. ગાંધીનગર અને સુરત ફાયર ઓફિસરના આદેશથી રાતો રાત દુકાનોના સીલ મારવામાં આવતા વેપારીઓ, દુકાનદારો અને ટ્યુશન કલાસીસના સંચાલકોની હાલત કફોડી બની ગઈ હતી.

હરિહર કોમ્પ્લેક્ષના તમામ દુકાનધારકો સંચાલકોએ પાંચ દિવસ સુધી વેપાર ધંધાથી વિમુખ રહેવાનો વારો આવ્યો હતો. ક્લાસિસો બંધ રહેતા સામી પરીક્ષા ટાણે વિધાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા.
સીલ મારેલી દૂકાનો વચ્ચે ખાણી પીણી તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના વેપારીઓનો માલ પણ બગડી રહ્યો હતો. જોકે કોમ્પ્લેક્ષના 280 દુકાનદારોએ હિંમત નહિ હારી એક સંપ થઈ ફાયર NOC મેળવવા 5 દિવસમાં રાત દિવસ એક કરી દીધા હતા.
અંતે સમગ્ર કોમ્પ્લેક્ષમાં ફાયર સિસ્ટમ અને ફાયર NOC મળી જતા સીલ કરાયેલી દુકાનોના શટર ફરી 5 દિવસ બાદ ખુલતા હરિહર કોમ્પ્લેક્ષમાં હરખની હેલી જોવા મળી હતી. તમામ દુકાનદારો અને તેમના પરિવારે ફટાકડાની લુમો ફોડી, સત્યનારાયણની કથા કરી ફરી વેપારના શ્રીગણેશ કરી સામુહિક જમણવાર પણ યોજી દીધો હતો.