Published By : Patel Shital
- સળિયા ભરેલ ટ્રેલર ચાલક ટર્ન લેવા જતા સામેથી આવતી ટામેટા ભરેલી ટ્રક અંદર ઘુસી…
- અકસ્માતમાં ટ્રક પલટી મારી જતા ક્રેઇનની મદદથી ઊંચકી હાઇવે ખુલ્લો કરાયો…
ભરૂચની નર્મદા ચોકડી ઉપર સળિયા ભરેલ ટ્રેલર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં હાઇવે પર ટામેટાની રેલમછેલ વચ્ચે ચક્કજામ સર્જાયો હતો.
ભરૂચ હાઇવે પર નર્મદા ચોકડી નજીક ગુરૂવારે સવારે ટ્રકમાં કેરેટોમાં ટામેટા ભરી જઈ રહી હતી. તે દરમિયાન વળાંક લેતા સળિયા ભરેલા લાંબા ટ્રેલર સાથે અકસ્માત સર્જાયો હતો. ટામેટા ભરેલી ટ્રક અને સળિયા ભરેલું ટ્રેલર એકબીજા સાથે ભટકાતા ટ્રક પલટી મારી હાઇવે વચ્ચે જ આડી પડી ગઈ હતી.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/05/TOMATO-3-1-745x1024.jpeg)
અકસ્માતમાં હાઇવે પર ટામેટાનું ઘોડાપુર જોવા મળ્યું હતું. ટ્રક પલટી મારી જતાં ટામેટાની રેલમછેલ થઈ જતા એક તરફનો વાહન વ્યવહાર અવરોધાવા સાથે જોત જોતામાં વાહનોની લાંબી કતારો જામવા લાગી હતી. ઘટના અંગે 108 અને પોલીસને જાણ કરાતા હાઇવે ખુલ્લો કરવા સાથે ઇજાગ્રસ્ત 35 વર્ષિય ટ્રક ચાલક રાહુલ રાજેન્દ્રભાઈ કુરાડીને એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી હતી. સાથે જ ક્રેઇનની મદદથી પલટી મારેલી ટ્રકને રસ્તાની બાજુમાં ખસેડી હાઇવે પર વેરાયેલા ટામેટાના કેરેટોને દૂર કરી વાહન વ્યવહાર પૂર્વવત કરાયો હતો.