Published by : Vanshika Gor
- જિલ્લાભરમાંથી ફાયર બ્રિગેડના ટેન્ડરોનો ભરૂચમાં પડાવ સાથે મેજર ફાયર કોલ જારી
- આસપાસના 10 કિમી સુધીની ત્રિજીયામાં આગની જ્વાળા અને ધુમાડા દેખા દેતા ભયનો માહોલ સર્જાયો
- તાડપત્રી અને પ્લાસ્ટિક બનાવતી તેમજ ટ્રેડિંગ કરતી કંપનીની ભીષણ આગે ઉધોગનગર અને આજુબાજુની સોસાયટીમાં અંધાધૂંધિ ફેલાવી
- આગને કાબુમાં લેવાના 8 કલાક બાદ પણ હજી પાણીનો મારો ચલાવી કુલિંગ કામગીરી જારી
- જિલ્લા કલેકટર, પોલીસ વડા, GPCB, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ સહિતનું તંત્ર દોડી આવી કામે લાગ્યું
- કંપની શરૂ થવાના બે કલાક પેહલા જ લાગેલી આગથી કોઈ જાનહાની નહિ, આગ લાગવાનું કારણ અકબંધ
ભરૂચ શહેર અને જિલ્લા માટે ચૈત્રી નવરાત્રીની સવારે જ ઉધોગનગરમાં લાગેલી ભયાનક આગે અંધાધૂંધિ ફેલાવી હતી.ભરૂચ GIDC ઉધોગનગરમાં 122/3 માં આવેલી નર્મદા પેકેજીંગ ઇન્ડસ્ટ્રીઝમાં સવારે 7 કલાકે એકાએક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. તાડપત્રી અને પ્લાસ્ટિક બનાવતી કંપની તેમજ તેનું ટ્રેડિંગ કરતા યુનિટમાં લાગેલી આગે જોતજોતામાં સમગ્ર જિલ્લાના વહીવટી તંત્રને દોડતું કરી દીધું હતું.

પ્લાસ્ટિકના ટનબદ્ધ જથ્થા અને તેમાં રહેલા પેટ્રોકેમના કારણે જોત જોતામાં સમગ્ર ફેકટરી અને તેનું યુનિટ ભડકે બળવા લાગ્યું હતું. મેજર ફાયર કોલ જાહેર કરી વહીવટી, પોલીસ, GPCB, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ સાથે જિલ્લાભરના ફાયર ટેન્ડરોની ગુંજથી વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો.
કાળા ધુમાડા સાથે આગની વિકરાળ જ્વાળાઓ 10 કિમીની ત્રિજીયામાં આકાશમાં દૂર દૂર સુધી દેખાતા એક સમયે સ્થિતિ વણસી હતી. ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા, SP ડો. લીના પાટીલ, ઇન્ડરીયલ સેફટી એન્ડ હેલ્થના આશુતોષ મેરૈયા સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.આજુબાજુની કંપનીઓ અને ફેકટરીઓ તેમજ રહીશોને સલામતીના કારણોસર દૂર ખસેડી એક બાદ એક ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવવાનો શરૂ કર્યો હતો.
ભરૂચ પાલિકા, DPMC, અંકલેશ્વર, ઝઘડિયા, પાનોલી, દહેજ ઔદ્યોગિક વસાહતના ફાયર ટેન્ડરો સાથે SRF, NTPC, આરતી ઇન્ડસ્ટ્રીઝ, UPL, LNG પેટ્રોનેટ, રિલાયન્સ સહિતના 22 થી વધુ ફાયર ફાઈટરોએ વિકરાળ આગને કાબુમાં લેવા સતત પાણીનો મારો ચાલુ રાખ્યો હતો.

બપોરે 3 વાગે 8 કલાકની જહેમતે આગ કાબુમાં આવી હતી. જોકે તે બાદ પણ સતત પાણીનો મારો ચલાવી કુલિંગ કામગીરી કાર્યરત રહી હતી. આગ સંપૂર્ણ કાબુમાં આવ્યા બાદ જ ઘટના અંગે વધુ વિગતો બહાર આવી શકશે. જોકે પ્લાસ્ટિક મટિરિયલ્સમાં લાગેલી આગથી નર્મદા પેકેજીંગ ઈન્સ્ડસ્ટ્રીઝમાં બધું જ બળીને ખાખ થઈ ગયું હોય આગ લાગવાનું કારણ બહાર આવવું પણ જટિલ બની ગયું છે. ઉધોગનગરની આગ કોઈ હોનારત ન સર્જે તેને ધ્યાને લઇ વીજ કંપની દ્વારા વિસ્તારમાં વીજ પુરવઠો પણ કટ આઉટ કરી દેવાયો હતો.