Published By : Patel Shital
- ભરૂચ સહિત ગુજરાત માટે પ્રેરણા અને ગર્વની ક્ષણ
- કીર્તિમાન સ્થાપિત કરવામાં હજૂ 60 દિવસનો સમય લાગશે
- ભરૂચની માઉન્ટેન ગર્લ તરીકે ઓળખાતી સીમા ભગતે વિશ્વના સૌથી ઉંચા પર્વત માઉન્ટ એવરેસ્ટની ચઢાઈ કરવાનું બિડું ઝડપ્યું
- SP ડો. લીના પાટીલના પ્રયાસોથી સીમા ભગતને એવરેસ્ટ સર કરવા માટે મળી આર્થિક ઊડાન અને સહાયની સરવાણીનો ધોધ વહ્યો
- ભરૂચની માઉન્ટેન ગર્લ સીમા ભગત વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટને સર કરવા નેપાળ પહોંચી
ભરૂચ જિલ્લા પોલીસ વડા SP ડો. લીના પાટીલની એક પહેલથી આજે ભરૂચની માઉન્ટેન ગર્લ વિશ્વનું સૌથી ઊંચું માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરવા પોતાના સ્વપ્ન અને સાહસને પાંખો આપી નીકળી છે.
ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાના મૌઝા ગામની આદિવાસી દીકરીએ માર્ચ – 2022 માં આફ્રિકાના સૌથી ઊંચા પર્વતનું પર્વતારોહણ કરી દેશ અને દુનિયામાં ભારતનું નામ રોશન કર્યુ હતું.

તાંઝાનિયા દેશમાં માઉન્ટ કિલીમંજારોએ આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત છે. ઊંચાઈની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં ચોથા નંબરનું સ્થાન ધરાવતો ફ્રી-સ્ટેન્ડિંગ પર્વતમાળા છે. હિમાચ્છાદીત અને વિષમ પરિસ્થિત સાથે પર્વતારોહણનો અનુભવ ન હોવા છતાં પ્રથમ પ્રયાસે લગભગ 5895 મીટર (19,340 ફૂટ) ઉંચાઈ ધરાવતા કિલીમંજારો પર્વતારોહણ કરી બધાને અચંબિત કરી દીધા હતા.
ખરેખર અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો એ ઉક્તિને સાચી ઠેરવીને 29 માર્ચ 2022 ના રોજ કિલીમંજારોએ માઉન્ટ પર્વતારોહણ સર કરનાર પ્રથમ ભારતીય યુવતી તરીકે અનોખી સિદ્ધિ હાંસલ કરી હતી. પર્વતની ટોચ પર સીમા ભગતે ભારત દેશના પરંપરાગત પોશાકની ઓળખ સમાન સાડી અને આદિવાસી પરંપરાગત ઘરેણાંથી સુસજ્જ થઈ તિરંગો લેહરાવ્યો હતો.

હવે માઉન્ટેન ગર્લ તરીકે ઓળખાતી સિમા ભગતે વિશ્વના સૌથી ઉંચા પર્વત “માઉન્ટ એવરેસ્ટની”ની ચઢાઈ કરવાનું બિડું ઝડપ્યું છે. આજથી તેઓ નેપાળમાં એવરેસ્ટ એક્સપિડિશન ચઢાઈ કરવાના પ્રથમ ચરણમાં છે.
હિમાલય પર્વતની વિશ્વની સૌથી વધુ 8,848.86 મીટર ઉંચાઈ ધરાવતો એવરેસ્ટ છે. ત્યારે આ એવરેસ્ટનું પર્વતારોહણ એક સાહસ છે જે દર વર્ષે હજારો આરોહકોની લાગણી, જુસ્સો અને સતત પ્રયત્નોને સમાવિષ્ટ કરે છે. ત્યારે ગુજરાતની દીકરીનો શિખરની ટોચ પર ઊભા રહેવાનો સરાહનીય પ્રયાસ છે. હિમાલયની ભૂમિની જબરજસ્ત યાત્રા પડકારજનક અને રોમાંચક રહેશે. ત્યારે હવે માઉન્ટેન ગર્લ તરીકે ઓળખાતી સીમા ભગતની 60 દિવસ સુધીની યાત્રા સુખેથી પસાર થાય અને ગુજરાત અને દેશ માટે પ્રેરણા અને ગર્વ માટે કીર્તિમાન સ્થાપિત કરે તેવી અભિલાષા સાથે આ આદિવાસી દીકરીને અભિનંદન સહ શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.


સીમાના એવરેસ્ટ સર કરવાના સ્વપ્ન અને સાહસને ભરૂચ SP ડો. લીના પાટીલના એક સંદેશાથી મળ્યો આર્થિક ટેકો
સીમા દિલીપભાઈ મૂળ નેત્રંગ તાલુકાના મૌઝા ગામના વતની છે. જેઓ સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં પ્રવાસી શિક્ષકા તરીકે ફરજ બજાવે છે. પૂર્વપટ્ટી વિસ્તારમાંથી આવતી યુવતીને બાળપણથી ડુંગરો ચઢવાનો શોખ હતો. જે દિવાસ્વપ્નને આગળ ધપાવવા માતા રમીલાબેન ભગતે હિંમત આપી જુસ્સો વધાર્યો હતો. જ્યાં પિતાની લાડકી દીકરીએ બીજા કરતા કંઈક અલગ કાર્ય કરી નવા રસ્તાનું નિર્માણ કરવું એને જીવનનો મંત્ર બનાવી વિઝન બનાવી દીધું હતું. જેમાં એવરેસ્ટ સર કરવાના તેના સ્વપ્ન અને સાહસને ભરૂચના SP ડો. લીના પાટીલના સહયોગ અને એક સંદેશે આર્થિક રીતે સહાયનું બળ પૂરું પાડ્યું છે.

નેપાળથી બે માર્ગે થતું એવરેસ્ટનું ચઢાણ નથી આસાન
વિશ્વના નકશામાં નેપાળ સ્થિત હિમાલય પર્વતમાળાનો વિશ્વનો સૌથી ઊંચો માઉન્ટ એવરેસ્ટ છે. જે લગભગ 8,848.86 મીટર ઉંચાઈ ધરાવતો એવરેસ્ટ છે. માઉન્ટ એવરેસ્ટ ઘણા ક્લાઇમ્બર્સને આકર્ષે છે. ત્યાં બે મુખ્ય ચઢાણના માર્ગો છે. એક નેપાળમાં દક્ષિણપૂર્વથી શિખર સુધી પહોંચે છે (જેને “પ્રમાણભૂત માર્ગ” તરીકે ઓળખવામાં આવે છે) અને બીજો તિબેટમાં ઉત્તરથી. પ્રમાણભૂત માર્ગ પર નોંધપાત્ર તકનીકી ચડતા પડકારો ન હોવા છતાં એવરેસ્ટ ઊંચાઈના કારણે ઓક્સિજનની કમી, બિમારી, હવામાન અને પવન જેવા જોખમો સાથે હિમપ્રપાત અને આઇસફોલના જોખમો રહેલા છે.