Published by: Rana kajal
- નબીપુર – ઝનોર માર્ગ પર ભર બપોરે લૂંટારૂઓએ રૂપિયા એક કરોડ ઉપરાંતના દાગીનાની મચાવી લૂંટ
- ભરૂચ જિલ્લા પોલીસ સાથે વડોદરા સહિત અન્ય જિલ્લાની પોલીસ પણ એલર્ટ
- ઠેર ઠેર નાકાબંધી સાથે નેકસોન અને વેન્યુ કારમાં આવેલા લૂંટારૂઓને પકડવા વાહન ચેકીંગ
ભરૂચના નબીપુરથી ઝનોર જવાના માર્ગે અમદાવાદના માણેકચોકના જવેલર્સની કારને આંતરી અન્ય બે કારમાં આવેલા લૂંટારુઓ બંદૂકની અણીએ 2 કિલો સોનાના દાગીના તેમજ રોકડા 3 થી 4 લાખ લૂંટી જતા પોલીસ બેડામાં સોપો પડી ગયો છે.
ભરબપોરે ભરૂચમાં દિલધડક સોનાના રૂપિયા એક કરોડ ઉપરાંતના દાગીનાની લૂંટની પ્રાથમિક વિગતો મુજબ , અમદાવાદના માણેકચોકના કિલોસ્કન જવેલર્સના મુકેશ ત્રિલોકચંદ સોની ભરૂચ જિલ્લાના વેપારીઓને શુક્રવારે દાગીનાની ડિલિવરીઓ આપવા આવ્યા હતા.

વર્ણા કારમાં તેમની સાથે અન્ય બે વ્યક્તિઓ પણ હતા. કારની ડીકીમાં મુકેલી બેગમાં 1500 થી 2000 ગ્રામ સોનાના દાગીના અને રોકડા 3 થી 4 લાખ હતા.
સવારે દહેજ, જોલવા દાગીનાની ડિલિવરી આપ્યા બાદ ભરૂચ શહેરમાં મહમદપુરા આવી નબીપુર હાઇવે થઈ ઝનોર જઈ રહ્યાં હતાં.
નબીપુર ઝનોર રોડ ઉપર બપોરના સુમારે તેમની કાર આગળ વેન્યુ કાર ઉભી કરી દેતા તેઓએ અચાનક બ્રેક મારી હતી. પાછળ અન્ય નેકસોન કાર ઉભી રહી ગઈ હતી.
અમદાવાદના જવેલરી વેપારી કઈ સમજે તે પેહલા જ બે કારમાંથી 4 થી 5 લૂંટારૂઓએ ઉતરી બંદૂકની અણીએ ડીકીમાં રહેલ 200 તોલા સોનુ અને રોકડા લૂંટી લીધા હતા.
લૂંટારું જતી વખતે સોનીની કારની ચાવી અને મોબાઈલ પણ લઈ ફરાર થઇ ગયા હતા. એક કરોડ ઉપરાંતની લૂંટની ઘટનાની જાણ ભરૂચ પોલીસને કરાતા તેઓ હચમચી ઉઠ્યા હતા.

ઝનોર નજીક 200 તોલા સોનાના દાગીનાની લૂંટનો મામલો સામે આવતા પોલીસતંત્ર દોડતું થઈ ગયું છે. ઝનોર અને આસપાસના તમામ એક્ઝિટ પોઇન્ટ ઉપર નાકાબંધી અને પેટ્રોલિંગ વધારી દેવાયું છે. સાથે સાથે આ માર્ગને જોડતા વિસ્તારોમાં પેટ્રોલ પમ્પ અને હોટલોના સીસીટીવી ફૂટેજની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.
લૂંટારુઓ નેશનલ હાઇવે તરફ ફરાર થયા હોવાનો પોલીસને અંદાજ છે જેના આધારે ટોલબુથ ઉપર પણ વોચ ગોઠવવામાં આવી છે. ભરૂચ SP ડો. લીના પાટીલના માર્ગર્શન હેઠળ ડીવાયએસપી , ક્રાઇબ્રન્ચ , એસઓજી અને ડિવિઝનની ટીમ તપાસમાં જોતરી દેવાઈ છે.
ઠેર ઠેર નાકાબંધી, વાહન ચેકીંગ સાથે વડોદરા જિલ્લા સહિત ગ્રામ્ય પોલીસને પણ એલર્ટ કરી ભોગ બનનાર અમદાવાદના સોનીનું નિવેદન લેવામાં આવી રહ્યું હોવાની SOG PI આનંદ ચૌધરીએ માહિતી આપી છે.