- આવકના દાખલા, શિષ્યવૃતિ સહિતના કામ માટે પ્રજાની પરેશાનીનો પાર નહિ
- જનસેવા કેન્દ્રો ઉપર રેવન્યુ તલાટી અને કારકુનોને મુકાયા હોવાની તંત્રની પોકલ કેફીયતો
ભરૂચ મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર ખાતે પ્રજા ત્રણ દિવસથી ધરમધક્કા ખાઈ રહી છે. આઉટસોર્સિંગના કર્મીઓની હડતાલે આવકના દાખલા, શિષ્યવૃતિ સહિતની કામગીરીને અટકાવી દેતા લોકોની લાચારીનો પાર રહ્યો નથી.રાજ્ય સરકાર સામે હાલ વિવિધ સરકારી કર્મચારીઓ, સંગઠનો, સંસ્થાઓ અને આઉટસોર્સિંગના કર્મચારીઓ પગાર સહિતની વિવિધ માંગણીઓને લઈ આંદોલનના માર્ગે ચઢ્યા છે.સરકાર અને કર્મચારીઓ વચ્ચે વિવાદ, વિરોધ અને અસંતોષમાં ભરૂચમાં પણ પ્રજા પીસાઈ રહી છે. ભરૂચ મામલતદાર કચેરીએ જનસેવા કેન્દ્ર ખાતે આવકનો દાખલો, શિષ્યવૃતિ સહિતના દાખલા અને કામો માટે આવતી પ્રજા છેલ્લા 3 દિવસથી રઝળપાટ કરી રહી છે.

જનસેવા કેન્દ્રના ઓપરેટરો માંગણીઓ મુદ્દે અચોક્કસ મુદતની હડતાલ ઉપર હોવાથી પ્રજાના કામ થતા નથી અને પરેશાનીઓ હલ થઈ રહી નથી. હાલ શિષ્યવૃતિ માટે છેલ્લી તારીખો ચાલી રહી છે. માતા-પિતા સંતાનો માટે સમય, શક્તિ અને નાણાં ખર્ચી ભરૂચ જિલ્લાના જનસેવા કેન્દ્રો ઉપર આવે છે પણ તેમને હતાશ અને નિરાશ થઈ ને જ પરત ફરવું પડી રહ્યું છે.તંત્ર કહી રહ્યું છે કે , ઓપરેટરો અને કરાર આધારિત કર્મીઓની હડતાલને લો રેવન્યુ તલાટી તેમજ કારકુનો તેમના ટેબલ ઉપર મુકવામાં આવ્યા છે પણ લોકોની કોઈ કામગીરી થઈ રહી નથી.