- નોરતામાં છેલ્લે છેલ્લે તમામ ગરબા આયોજન સ્થળો ઉપર જોવા મળી હકડેઠઠ મેદની
નવલા નોરતા હવે પૂર્ણતાને આરે પોહચ્યા છે ત્યાં ભરૂચમાં છેલ્લે છેલ્લે ખેલૈયાઓની ઉમટી રહેલી હકડેઠઠ મેદનીથી મેદાનો પણ વામન નજરે પડી રહ્યા છે.
ભરૂચ, અંકલેશ્વર શહેર અને જિલ્લામાં આઠમા નોરતે તમામ ગરબા આયોજન સ્થળોએ યુવાધન સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું. ખેલૈયાઓએ બમણા જોશ અને ઉત્સાહથી મનમૂકીને ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી.ગરબા આયોજકો તેમજ ગાયક વૃંદોએ પણ સુર, તાલ અને લયના સથવારે ગરબા રસિકોમાં નવરાત્રીના નવરંગ ભરી દીધા હતા. યુવાધન સાથે આબલ વૃદ્ધ સહિત સૌ કોઈએ મધરાત સુધી ગરબાની રમઝટ બોલાવી હતી.

ભરૂચમાં પટેલ સોસાયટી, પોલીસ ગરબા ગ્રાઉન્ડ, સાંઈ મંદિર, સંતોષીનગર, સિદ્ધનાથ નગર, વેજલપુર, ઝાડેશ્વર શેરી ગરબા, અંકલેશ્વર રોટરી કલબ, ઓ.એન.જી.સી., ગાર્ડન સિટી સહિત જિલ્લામાં તમામ સ્થળે આઠમું નોરતું સોળે કળાએ ખેલૈયાઓ અને ગરબા રસિકોથી દિપી ઉઠ્યું હતું.