- 23 જેટલા કાર્યકરોએ કોંગ્રેસનાં સભ્ય પદેથી રાજીનામાં ધરી દીધા
- ભરુચ જિલ્લા કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં 25 તૂટે તેવી સ્થિતિ
ભરુચ શહેર જીલ્લામાં કોંગ્રેસના કાર્યકરો એક બાદ એક કોંગ્રેસનો હાથ છોડી રહ્યા છે. જીલ્લામાં જાણે કોંગ્રેસ મરણ પથારીએ જોવા મળી રહી છે. સામી ચૂંટણીએ કોંગ્રેસ ગ્રાઉંડ ઉપર પણ દેખાઈ નથી રહી ત્યારે આજે 23 જેટલા કાર્યકરોએ સભ્ય પદેથી રાજીનામાં ધરી દેતા કોંગ્રેસ ખાલીખમ થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે
ભરુચ જીલ્લામાં સામી ચૂંટણીએ કોંગ્રેસનું સંગઠન મજબૂત બનવાના બદલે જાણે તૂટી રહ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં 13 તૂટે તેવી સ્થિતિ છે પરંતુ ભરુચમાં કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં 25 તૂટે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. એક બાદ એક રાજીનામાં પડી રહ્યા છે જેના કારણે કોંગ્રેસ ખાલીખમ થઈ ગઈ છે. અગાઉ શહેર પ્રમુખ અને યુવા આગેવાનોએ રાજીનામાં ધરી દીધા બાદ આજે શહેર મહામંત્રી તેમજ વોર્ડ પ્રમુખો સહિત 23 જેટલા કાર્યકરોએ સામાન્ય સભ્યપદેથી રાજીનામાં ધરી દીધા છે. રાજીનામું આપવા પાછળનું કારણ પક્ષમાં તેઓની સતત થતી અવગણના અને જે માન સન્માન મળવું જોઈએ તે ન મળતું હોવાના કારણે સભ્યપદેથી રાજીનામાં ધરી દીધા છે.
અંતરંગ વર્તુળો તરફથી મળતી વિગતો અનુસાર આ રાજીનામાં બાદ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ આ બાબતની નોંધ લીધી છે અને જેઓ પક્ષ છોડીને ગયા છે તેઓને મનાવવામાં સમય ન બગાડવા પણ ટિપ્પણી આપી હોવાનું જાણવા મળ્યું છે. ભરુચ જિલ્લા કોંગ્રેસ પાસે ગણ્યા ગાંઠયા કાર્યકરો હતા જેઓ કોઈ પણ વિરોધ પ્રદર્શન હોય કે કાર્યક્રમ હોય તેમાં ઉપસ્થિત રહેતા હતા તે પૈકી ઘણા કાર્યકરોએ રાજીનામાં ધરી દીધા છે ત્યારે કોંગ્રેસની ડૂબતી નૈયાને કોણ બચાવશે તેવો ગણગણાટ જોવા મળી રહ્યો છે.