Published by : Rana Kajal
- ભાજપ સરકારના ઈશારે પોલીસ દ્વારા કરાયેલી કાર્યવાહીનો વિરોધ કરાયો
- સેવાશ્રમ રોડ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ટીંગાટોળીના દ્રશ્યો
- કાળી તલાવડી જિલ્લા તાલીમ ભવન ખાતે અટકાયત કરી આગેવાનોને લઈ જવાતા ધરણા પર બેઠા
ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ રવિવારે રાહુલ ગાંધી સામે કરાયેલી કાર્યવાહીના વિરોધમાં ધરણાંનો કાર્યકમ જાહેર કરાયો હતો.
ભરૂચ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે ધરણાં સ્થળે ગાંધીજીની પ્રતિમા પાસે કોંગી આગેવાનો પોહચે તે પેહલા જ પોલીસનો કાફલો ખડકાઈ ગયો હતો. સંકલ્પ ધરણાં કરવા જતાં પેહલા જ કોંગી આગેવાનોની સેવાશ્રમ રોડ પરથી જ પોલીસે અટકાયતનો દોર શરૂ થઈ ગયો હતો.
જિલ્લા કોંગ્રેસ આગેવાનોએ આરોપ લગાવ્યા હતા કે રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર કાનૂનને હાથો બનાવી કોંગ્રેસનો અવાજ દબાવી રહી છે. જે સામે ભારે નારાજગી સાથે સુત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું.
પોલીસ દ્વારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, મહિલા પ્રમુખ જ્યોતિબેન તડવી, શહેર પ્રમુખ હરીશ પરમાર, સમસાદ અલી સૈયદ, સંજય સોલંકી, રાજેન્દ્રસિંહ રણા, સુલેમાન પટેલ, શેરખાન પઠાણ, સંદીપ માંગરોલા, પ્રવક્તા નાઝુ ફડવાલા સહિત 30 થી વધુ કોંગી આગેવાનો તેમજ કાર્યકરોની અટકાયત કરી હતી. કાળી તલાવડી જિલ્લા તાલીમ ભવન ખાતે ડિટેઇન કરાયેલા આગેવાનોને લઈ જવાતા તેઓએ ત્યાં ધરણાં કરી પોતાનો આક્રોશ પ્રદર્શિત કર્યો હતો.