- કાંઠાના વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના ગામોને કરાયા એલર્ટ
- નર્મદા ડેમમાંથી બપોરે 12 કલાકથી 15 ગેટ ખોલી નદીમાં 2.94 લાખ પાણી છોડવાનું શરૂ
- અમાસની ભરતીને લઈ જળસપાટીમાં એકદમ ઉછાળો આવવાની સંભાવના
- નર્મદા ડેમની સપાટી 136 મીટરે પોહચી, ઈન્દિરાસગરમાંથી ઠલવાતો બે લાખ ક્યુસેક પાણીનો જથ્થો
સરદાર સરોવર નર્મદા ડેમના 15 ગેટ ખોલી અઢી લાખ ક્યુસેક પાણી નદીમાં છોડતા નીચાણવાસમાં ફરી વધતા જળસ્તરને લઈ ચિંતા ફેલાઈ ગઈ છે. ડેમના 10 દરવાજામાંથી હાલ સુધી એક લાખ ક્યુસેક પાણી છોડાતું હતું. જોકે ઉપરવાસમાં વરસાદનું જોમ વધતા આવક વધી જવાથી વધુ 5 દરવાજા ખોલવાની ફરજ પડી છે.
મધ્યપ્રદેશમાં ફરીથી ભારે વરસાદ નર્મદા નદીમાં જળસ્તર વધવા માટે નિમિત્ત બની શકે છે. ડેમના 15 દરવાજા ખોલાતા નદીમાં ઠલવાઇ રહેલા કુલ 2.94 લાખ ક્યુસેક પાણીના પગલે નદી બીજી વખત બે કાંઠે વહેતા ભરૂચ, નર્મદા અને વડોદરાના કાંઠાના ગામોને સાબદા કરવાની તંત્રને ફરજ પડી છે.
સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ ઓમકારેશ્વર તેમજ ઈન્દિરાસગર ડેમમાંથી વધુ પાણી છોડવાનું રવિવારથી શરૂ કરાયું છે. ઇન્દિરાસાગરમાંથી છોડવામાં આવેલો પાણીનો જથ્થો 32 કલાક બાદ સરદાર સરોવરમાં આવવાનો શરૂ થઈ ગયો છે.
આજે સોમવારે બપોરે 12 કલાકે ડેમના 15 દરવાજા 2.35 મીટર સુધી ખોલીને 2.50 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવાનું શરૂ કરાયું છે. રીવર બેડ પાવર હાઉસમાંથી 6 યુનિટનું સંચાલન કરીને 44 હજાર ક્યુસેક પાણી નદીમાં ઠલવાઇ રહ્યું છે. નર્મદા નદીમાં 2 લાખ 94 હજાર ક્યુસેક પાણી હાલ ઠલવાઇ રહ્યું છે. જેને લઈ નર્મદા નદીની જળ સપાટી ફરી ગોલ્ડનબ્રિજ ખાતે વધી શકવાની સંભાવના છે.
સાથે જ અમાસની ભરતીને લઈ નર્મદા નદીની સપાટીમાં ફરીથી ઝડપભેર વધારો થઈ શકે છે. હાલ નર્મદા ડેમની સપાટી 136 મીટરે પોહચી ગઈ છે. હવે ડેમ તેની સર્વોચ્ચ સપાટીથી માત્ર 2.68 મીટર જ દૂર છે.