- નેત્રંગના ઉમરખડાથી વાંકોલ બાઇક લઈ જતો યુવાન તણાયો
- અંકલેશ્વરમાં 2 ઇંચ, હાંસોટમાં સવા અને વાગરામાં એક ઇંચ મેઘમહેર
- જિલ્લામાં વરસાદે મૌસમના સરેરાશની સદી વટાવી
ભરૂચ જિલ્લામાં સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડાઈ રહેલા 5 લાખ ક્યુસેક પાણીના પગલે નર્મદા નદીમાં પુર આવ્યું છે પુર વચ્ચે મેઘરાજા આભમાંથી પણ સમયાંતરે વરસી રહ્યા હોય લોકોની મુશ્કેલીઓ વધારી રહ્યા છે.
ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં પુરની પરિસ્થિતી વચ્ચે આભમાંથી પણ આફતરૂપી વરસાદ જનજીવનને પ્રભાવિત કરી રહ્યો છે. એક તરફ નર્મદા નદીએ ગોલ્ડનબ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી દીધી છે ત્યાં રાતથી સમયાંતરે વરસતો વરસાદ લોકોને પ્રભાવિત કરી રહ્યો છે.વિતેલા 18 કલાકમાં ભરૂચ જિલ્લામાં સૌથી વધુ નેત્રંગ તાલુકામાં સાડા ત્રણ ઇંચ વરસાદ, વાલિયામાં ત્રણ ઇંચ, અંકલેશ્વરમાં 2 ઇંચ જ્યારે હાંસોટમાં સવા ઇંચ, વાગરામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે.અન્ય તાલુકામાં ભરૂચ અને ઝઘડિયામાં 14 મિમી, જંબુસરમાં 9 મિમી અને આમોદમાં માત્ર 5 મિમી વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં વરસાદે મૌસમની કુલ સરેરાશની સદી પૂર્ણ કરી હાલ 101 ટકા મેઘમહેર નોંધાવી દીધી છે.બીજી તરફ નેત્રંગ તાલુકાના ઉમરખડાથી વાંકોલ ગામે બાઇક લઈ હરિલાલ શંકરભાઇ વસાવા જઈ રહ્યા હતા. જેઓ કોતરના વહેણમાં તણાઈ જતા મોત નીપજ્યું હોવાની વિગતો બહાર આવી છે.