- શ્રાવણના અંતિમ સોમવારે ભરૂચના કાવડયાત્રીઓએ નર્મદા નદીના નીરથી કર્યો જળાભિષેક
- વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાવડયાત્રીઓનું સ્વાગત
તહેવારોના અન્નકૂટ એવા પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળા શંભુની આરાધના અતિફળદાયી ગણાય છે. શ્રાવણ માસ તેના અંતિમ ચરણમાં છે ત્યારે આજે છેલ્લા સોમવારે ભરૂચના કાવડયાત્રીઓ દ્વારા નવનાથનો જળાભિષેક કરવામાં આવ્યો.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/08/KAVADYATRI-2-1024x576.jpeg)
ભરૂચ ઐતિહાસિક ધરોહરની સાથે સાથે ધાર્મિક વારસો પણ ધરાવે છે ત્યારે આ વારસાને સાચવી રખાય અને તેનું મહત્વ સમગ્ર દેશમાં પહોચે તે માટે હાલમાં પુનરુત્થાન સમિતિની રચના કરવામાં આવી છે જે દ્વારા વિવિધ કાર્યક્રમો થકી ભરૂચના વારસાને સાચવવાની નેમ ઉપાડવામાં આવી છે. ભરૂચ ખાતે અતિ પૌરાણિક નવનાથ બિરાજમાન છે. ગંગાનાથ, સિદ્ધનાથ, કાશી વિશ્વનાથ, જ્વલાનાથ, સોમનાથ, પીંગળનાથ, પ્રેમનાથ, ભીમનાથ, ભૂતનાથ, અને કામનાથે ભરૂચની ધરાને પાવન કરી છે. પવિત્ર શ્રાવણ માસમાં છેલ્લા 7 વર્ષથી વિવિધ હિંદુ સંગઠનો દ્વારા કાવડયાત્રા કાઢી આ નવનાથનો જળાભિષેક કરવામાં આવે છે. આજ રોજ ભરૂચના સ્વામિનારાયણ મંદિર ખાતે થી કાવડયાત્રા નીકળી હતી અને નર્મદાનાં નીરથી તમામ નવનાથ પર જળાભિષેક કર્યો હતો. વેજલપુર સ્થિત કામનાથ મહાદેવ ખાતે કાવડયાત્રાની પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી. વિશ્વ હિંદુ પરિષદ દ્વારા કાવડયાત્રીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 200 થી વધુ કાવડયાત્રીઓ આ કાવડયાત્રામાં જોડાયા હતા. હર હર શંભુ ના જયઘોષ સાથે કાવડયાત્રીઓએ ભગવાન ભોળાનાથ પ્રત્યે આસ્થા પ્રગટ કરી હતી.