Published By:-Bhavika Sasiya
- બે શ્રાવણ માસને લઈ 19 વર્ષ બાદ સર્જાયો સંયોગ, એક મહિનાની જગ્યાએ બે મહિના ચાલશે મેઘ ઉત્સવ
- વિશ્વમાં 250 વર્ષોથી એકમાત્ર ભરૂચમાં ઉજવાતા મેઘ મહોત્સવમાં મેઘરાજાની સ્થાપના 16 જુલાઈ અષાઢી અમાસે
છપ્પનિયા દુકાળથી વિશ્વમાં એકમાત્ર ભરૂચમ ઉજવાતો મેઘરાજનો ઉત્સવ 19 વર્ષ બાદ આ વખતે ખાસ બનવા જઈ રહ્યો છે. બે શ્રાવણ માસના સંયોગને લઈ ભરૂચમાં આ વખતે મેઘરાજા એક નહિ પણ બે મહિના મહેમાનગતિ માણશે.
ભરૂચ શહેરના સમસ્ત ભોઈ સમાજ દ્વારા 250 વર્ષોથી વધુ પ્રાચીન પરંપરા મુજબ શ્રી મેઘરાજાની સ્થાપના નર્મદા માતાની માટી લાવી અષાઢી અમાસની રાત્રે પૂજા વિધિ વિધાનથી કરવામાં આવે છે.
આ વર્ષે શ્રાવણ મહિનો ખુબ જ ખાસ માનવામાં આવે છે, તેમ સમસ્ત ભોઈ જ્ઞાતિ પંચના પ્રમુખ ભદ્રેશ જાદવે જણાવ્યું છે કારણ કે, આ વર્ષે શ્રાવણ માસ એક મહીનાનો નહીં પણ બે મહીના રહેવાનો છે. એવું માનવામાં આવે છે કે, 19 વર્ષ પછી આ અદ્ભૂત યોગ બની રહ્યો છે ત્યારે ભરૂચ ભોઈ સમાજ દ્વારા આ શુભ સંયોગને ધ્યાને લઇ શ્રી મેઘરાજાની શ્રદ્ધા, ભકિત ભાવપૂર્વક સુશોભીત શણગાર કરી આ ઉત્સવ મનાવવામાં આવશે.
16 જુલાઈ અષાઢી અમાસે નર્મદા નદીની માટી લાવી એક જ રાતમાં મેઘરાજાની 5 ફૂટ ઊંચી ધ્યાનાકર્ષક માટીની મનમોહક મૂર્તિ તૈયાર કરી તેનું સ્થાપન સવારે કરાશે.
ભરૂચ ઉપરાંત ગુજરાતભરના ભાવિક ભક્તો અધિક તેમજ શ્રાવણ માસમાં મેઘરાજાના દર્શન, પૂજન અને ભજનકીર્તનનો લ્હાવો 55 દિવસ સુધી લઈ શકશે.