- રસ્તાઓ ઉપર પશુને રખડતા છોડી ટ્રાફિકને અડચણ અને અકસ્માતને ઈંજન આપનારા માલિકોને તગડો દંડ વસુલાશે
ભરૂચ નગર પાલિકા શહેરીજનો અને વાહન ચાલકોને રસ્તે રઝળતા પશુઓથી છુટકારો અપાવવા મોડે મોડે જાગી છે.
નગર પાલિકામાં અને પ્રમુખને શહેરના શક્તિનાથ, પાંચબત્તી, સ્ટેશન રોડ, કસક, લિંક રોડ, મહમદપુરા સહિતના વિસ્તારોમાં હરાયા ઢોરના ત્રાસની કેટલીય રજૂઆતો મળી હતી.
જેને લઈ પાલિકા દ્વારા બુધવારે રાતે 10 કલાકથી ઢોર ડબ્બા ગાડી લઈ માર્ગો ઉપર અડિંગો જમાવેલા પશુઓને પકડવા ટીમ ઉતરી હતી. મળસ્કે સવારે 4 વાગ્યા સુધી ટીમ દ્વારા 15 રખડતા ઢોરોને પકડી જૈન પેઢીના કમ્પાઉન્ડમાં મોકલી અપાયા હતા. ઢોર પકડવામાં કામધેનુ ગૌરક્ષા સમિતિના ગૌરક્ષકો, પાલિકા સ્ટાફ અને ફાયર ટીમ જોડાઈ હતી.

પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પણ રોજ રાતે હરાયા ઢોર પકડવાની ઝુંબેશ કાર્યરત રહેશે. પશુઓને માર્ગો ઉપર છોડી ટ્રાફિકજામ તેમજ અકસ્માતનું જોખમ વધારનારા પશુ માલિકો સામે કડક દંડની કાર્યવાહી કરાશે.
બીજી તરફ હરાયા ઢોર પકડનાર કામધેનુ ગૌરક્ષા સમિતિએ શહેર જિલ્લામાં રખડતા પશુઓ માટે પાંજરાપોળની જમીન ફાળવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાની પણ હૈયા વરાળ ઠાલવી છે.