- મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એક જ વાત કહેતા, વિકાસના એટલા કાર્યો કરો કે પ્રજા પાસે મતની ભીખ ન મંગાવી પડે : ભરૂચ MLA
- ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે ભરૂચ શહેર, તાલુકા અને વાગરાના વિકાસ કામોનો કાર્યક્રમ યોજાયો
- વિવિધ કેટેગરીના લાભાર્થીઓને મહાનુભવોના હસ્તે સહાય તેમજ લાભોનું વિતરણ
ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત શહેર અને તાલુકા તેમજ વાગરાના વિવિધ રૂ. 3.72 કરોડના કામોનું ભૂમિપૂજન તેમજ લોકાર્પણ ધારાસભ્ય દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં કરાયું હતું. શહેરના પંડિત ઓમકારનાથ હોલ ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રા હેઠળનો કાર્યક્રમ વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.
ભરૂચના ધારાસભ્યે અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં ભરૂચ પ્રાંતમાં સમાવિષ્ટ શહેર, તાલુકા અને વાગરાના રૂપિયા 3.22 કરોડના 109 વિકાસ કામોનું ભૂમિપૂજન કર્યું હતું. જ્યારે 50 જેટલા રૂપિયા 50 લાખના કામોનું લોકાર્પણ પણ આ પ્રસંગે કરાયું હતું. ધારાસભ્ય દુષ્યંત પટેલે સમારંભમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અમે જેટલી વખત મળતા એક જ વાત કરતા અને તે સર્વાંગી વિકાસની.વિકાસના એટલા કાર્યો કરો કે આપણે જ્યારે પ્રજા પાસે જઈએ તો મતની ભીખ ના મંગાવી પડે. આજે આંનદ થાય છે કે ભરૂચમાં પણ ઉધોગ, ખેતી અને સામાજિક ક્ષેત્રે વિકાસ થયો છે.
આજના કાર્યકમમાં વિવિધ કેટેગરીના લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભવોના હસ્તે સહાય અને લાભોનું વિતરણ પણ કરાયું હતું. આ પ્રસંગે પાલિકા પ્રમુખ અમિત ચાવડા, ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ મોનાબેન પટેલ, વાગરા તાલુકા પંચાયત પ્રમુખ કોમલબેન મકવાણા, બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા કલેકટર તુષાર સુમેરા, આર.ડી.સી. ધાંધલ, પ્રાંત અધિકારી, મુખ્ય અધિકારી સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વરમાં વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત MLA ઇશ્વરસિંહ પટેલ દ્વારા વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કરાયું
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારને એક વર્ષ પૂર્ણ થતા વિકાસ યાત્રા અંતર્ગત વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે અંકલેશ્વર શહેરમાં આવેલ શારદા ભવન ખાતે જીલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલની અધ્યક્ષતામાં વિશ્વાસથી વિકાસ યાત્રા વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ-ખાતમુહુર્તનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન અંક્લેશ્વર-હાંસોટ વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતુ.
જંબુસર પ્રાંત કક્ષાનો ઇ લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો કાર્યક્રમ MLA અરુણસિંહ રણાની ઉપસ્થિતિમાં એપીએમસી ખાતે યોજાયો
- આમોદ તેમજ જંબુસર તાલુકામાં 2 કરોડ 42 લાખ 69 હજારના ખાતમુહૂર્તના કામો જાહેર કરાયાં
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત ઇ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો. પીએમ સ્વ નિધિ યોજના અંતર્ગત તેમજ વિધવા સહાય યોજના અંતર્ગત લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો. સરકારની વિવિધ યોજનાઓનું માર્ગદર્શન માજી મંત્રી છત્રસિંહ મોરી તેમજ વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરૂણસિંહ રણા ઘ્વારા આપવામાં આવ્યું હતું.