ભરૂચમાં જુદા-જુદા સ્થાનકો ખાતેથી તા. 9 સપ્ટેમ્બરના રોજ શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના પગલે સામૂહિક શ્રીજી મહોત્સવનું આયોજન થઈ શક્યું ન હતું. તેથી આ વર્ષે શ્રીજી ભક્તોમાં આગવો ઉત્સાહ હોય તે સ્વાભાવિક બાબત છે. ખૂબ હર્ષ અને ઉત્સાહ સાથે ભરૂચ પંથકમાં શ્રીજી મહોત્સવ ઉજવાયો હતો. એક ગણતરી મુજબ 2000 કરતાં વધુ સ્થાનકો ખાતે મોટા શ્રીજી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. નાના શ્રીજી મહોત્સવ અને નિવાસ સ્થાને સ્થાપિત કરવામાં આવેલ શ્રીજીનું પણ વિસર્જન કરવામાં આવ્યું હતું. ભરૂચ ખાતે શ્રીજી વિસર્જન માટે 4 કુત્રિમ જળ કુંડો તેયાર કરવામાં આવ્યા હતા. જુદી-જુદી સામાજિક સંસ્થાઓ દ્વારા શ્રીજી વિસર્જન પહેલા પૂજાપો એકત્રિત કરવામાં આવ્યો હતો. જેના કારણે પાણીમાં આ પૂજાપો ન જાય અને તેનો કંપોસ્ટ બનાવવામાં ઉપયોગ થઈ શકે..ભરૂચમાંથી આ વર્ષે 4 ટન કરતાં વધુ પૂજાપો એકત્રિત કરવામાં આવ્યો હતો જે બાબત સૂચક છે.