Published By : Parul Patel
ભરૂચના તપોવન સંકુલ ખાતે ઋષિ કુમારો દ્વારા સવાલાખ રૂદ્રાક્ષમાંથી 11 ફૂટ ઊંચા શિવલિંગનું નિર્માણ કરવામાં આવશે.
દેવાધિદેવ મહાદેવના અતિ પ્રિય શ્રાવણ માસમાં ભરૂચમાં તપોવન સંકુલમાં શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા દ્વારા પ્રતિવર્ષ શ્રાવણ વદ અગિયારસ થી અમાસના દિવસોમાં શિવમહોત્સવના વિવિધ કાર્યક્રમ થાય છે, જેમાં વિવિધ પ્રકારના શિવલિંગ બનાવી પૂજન-અર્ચન અભિષેકાત્મક હોમાત્મક લઘુદ્ર અને શિવમહિમ્ન વિષય પર પરમપ્રમાણદર્શન પારડી વલસાડના પૂજ્ય સ્વામીશ્રી નિજાનંદ સરસ્વતીના વ્યાખ્યાનનો સમાવેશ થાય છે.
આ વર્ષ શ્રાવણ વદ અગિયારસ થી અમાસ તા. 10 થી 15 સપ્ટેમ્બર 2023ના દિવસોમાં પાઠશાળામાં અધ્યયન કરતાં ઋષિકુમારો, ગુરૂજનો દ્વારા સવા લાખ રૂદ્રાક્ષનું 11 ફૂટના શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે.
મહાદેવના કંઠમાં જટામાં બંને હાથમાં રૂદ્રાક્ષની માળા આપણે જોઈ છે. રૂદ્રાક્ષ શિવજીના
અત્યંત પ્રિય છે. રૂદ્રાક્ષ એટલે શિવજીનું અક્ષ અર્થાત અંશ. એ રીતે રૂદ્રાક્ષ એ શિવજી ગણાય છે. 1 થી 21 મુખી રૂદ્રાક્ષ પ્રાપ્ત થાય છે, જેને સામાન્ય વ્યક્તિથી લઈને સાધુ-સંત મહાત્મા સૌ કોઈ વ્યક્તિ ભાવથી ધારણ કરે છે.
રૂદ્રાક્ષને ધારણ કરવાથી અનેક પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. રૂદ્રાક્ષ અત્યંત પવિત્ર અને શિવને પ્રિય છે.
તેના દર્શન સ્પર્શ અને જપ દ્વારા અનેક પાપોનો નાશ થાય છે. આ રીતના સવા લાખ રૂદ્રાક્ષનું શિવલિંગ સૌપ્રથમ ભરૂચના તપોવન સંકુલમાં અગિયારસ થી અમાસના દિવસોમાં દરરોજ સવારે 9 થી 11 કલાકે પૂજન, અર્ચન, અભિષેક કરી શકાશે તેમજ દરરોજ સાંજે 6 થી 7.30 કલાકે આખ્યાન- આરતીનો કાર્યક્રમ રહેશે જેના દર્શનનો નિશુલ્ક લાભ લેવા ધર્મપ્રેમી જનતાને આયોજકો દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.