- નેત્રંગમાં 2 ઇંચ, ભરૂચ-વાલિયામાં સવા ઇંચ, હાંસોટમાં એક અને અંકલેશ્વરમાં અડધો ઇંચ વરસાદ
- શહેરમાં પાંચબત્તી, સેવાશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં માર્ગો ઉપર સરોવર જેવો ઘાટ
- રાતે 8 કલાકે નર્મદા ડેમની સપાટી ઘટીને 138.59 મીટર
- નર્મદા નદી ભરૂચના ગોલ્ડનબ્રિજે 14.76 ફૂટે
ગુજરાતની જીવાદોરી બે વર્ષ બાદ આજે મળસ્કે તેની પૂર્ણ સપાટી સુધી છલોછલ ભરાવા વચ્ચે મોડી સાંજે ભરૂચ જિલ્લામાં 37 મિનિટમાં જ જમાવટ સાથે વરસેલા વરસાદે માર્ગોને પાણીથી તરબતર કરી દીધા હતા.
સરદાર સરોવર નર્મદા ડેમ બે વર્ષ બાદ આજે મળસ્કે 5 કલાકે તેની સંપૂર્ણ સપાટી 138.68 મીટરે સ્પર્શયો હતો. જે બાદ 7 કલાક સુધી જળસ્તર સ્થિર રહ્યા હતા.મુખ્યમંત્રી દ્વારા નર્મદા નીરના પૂજન અર્ચન સાથે વધામણાં કરાયા હતા. સવારે 10 કલાકથી ડેમના 23 દરવાજા ખોલી નદીમાં 2.75 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું હતું.ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી વધી ને રાતે 8 કલાકે 14.76 ફૂટ નોંધાઇ છે. જ્યારે ડેમની સપાટી 9 સેમી ઘટી હાલ 138.59 મીટર ઉપર છે.
મોડી સાંજે 6.30 કલાકથી ભરૂચ શહેર અને જિલ્લામાં મેઘરાજાએ જમાવટ કરી વરસવાનું શરૂ કરી દીધું હતું. માત્ર 37 મિનિટમાં ભરૂચમાં વરસેલા સવા ઇંચ વરસાદે ઠેર ઠેર પાણી પાણી કરી દીધુ હતું. શહેરના સેવાશ્રમ રોડ, પાંચબત્તી, દાંડિયા બજાર, ફુરજામાં જાણે માર્ગો ઉપર સરોવર રચાયું હોય તેવો નજારો જોવા મળ્યો હતો
નેત્રંગ તાલુકામાં સૌથી વધુ 55 મિમી બે ઇંચ વરસાદ નોંધાયો હતો. જયારે વાલિયામાં સવા અને હાંસોટ તાલુકામાં એક ઇંચ મેઘમહેર માત્ર અડધો કલાકમાં જ થતા ત્યાં પણ મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. અંકલેશ્વરમાં 11 મિમી, ઝઘડિયામાં 4 મિમી અને આમોદમાં માત્ર 2 મિમી વરસાદ વરસ્યો હતો. જંબુસર અને વાગરામાં મેઘમહેર થઈ ન હતી.
હવામાન વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ડેમમાંથી નદીમાં પોણા ત્રણ લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જેને લઈ જિલ્લા વહીવટી તંત્ર સાબદુ થયું છે. કાંઠા વિસ્તારના લોકોને નદી કિનારે નહિ જવા સૂચના જારી કરાઈ છે.