Published By : Parul Patel
- ઔદ્યોગિક ગઢમાં વાવાઝોડાની વાઉ ઇફેક્ટ, એર ક્વોલિટી ઇન્ડેક્સ સિંગલ ડિજિટમાં,
- મહત્તમ તાપમાન 34 અને લઘુતમ 28 નોંધાયું…
- વાવાઝોડાએ બનાવી સૌથી શુદ્ધ હવા, કોરોના વખતે 16 રહેલો AQI 9 થઈ ગયો…

ભરૂચ શહેર અને જિલ્લામાં 44 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે ગણતરીની મિનિટમાં બિપોરજોયની જોરદાર અસર જોવા મળી હતી. સુસવાટા મારતું ઝાપટું વરસતા જ વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો.
ભરૂચ જિલ્લામાં શુક્રવારે સવારથી જ બિપોરજોય વાવાઝોડાની અસર હેઠળ વાદળ્યો માહોલ છવાયો હતો. દરમિયાન ભારે પવનો ફૂંકાવવા સાથે એકાએક વરસાદી ઝાપટું તૂટી પડ્યું હતું.
પ્રતિ કલાકે 44 કિમીની ઝડપે ઠંડા વાયરા વચ્ચે ગણતરીની મિનિટો સુધી વરસેલા વરસાદના કારણે જોતજોતામાં ભરૂચ શહેરના માર્ગો ભીંજાઈ ગયા હતા.
મહત્તમ તાપમાનનો પારો પણ ગગડીને 34 ડીગ્રી અને લઘુતમ પારો 28 ડિગ્રી સુધી સ્પર્શી ગયો હતો. માત્ર એક જ સુસવાટાભેરના ઝાપટાંમાં ભરૂચ શહેર સહિત જિલ્લાના કેટલાય વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ડુલ થઈ ગયો હતો.
બિપોરજોય વાવાઝોડાની સૌથી પોઝિટિવ અસર પર્યાવરણ ઉપર જોવા મળી હતી. ભરૂચ જિલ્લામાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) સૌપ્રથમ વખત સિંગલ ડિજિટમાં જોવા મળ્યો હતો.
કોરોના કાળ વખતે ભરૂચની હવા રાજ્યના પાટનગર ગ્રીન સિટી ગાંધીનગર કરતા પણ સૌથી શુદ્ધ AQI 16 નોંધાઇ હતી, જે હાલ વાવાઝોડાને કારણે માત્ર 9 રહેતા જિલ્લાની હવા અત્યાર સુધીમાં સૌથી ગુણવત્તાયુક્ત બની હતી.