Published By:-Bhavika Sasiya
- અવાવરું જગ્યાએ એક બંધ મકાન નજીક બેસેલ યુવાનની શંકાસ્પદ હલતનો મળ્યો હતો કોલ
- PCR વાનમાં યુવાનને પોલીસ મથકે લવાતા PCO ને માથા અને હાથના ભાગે હાથા જેવા હથિયારથી બે ફટકા મારી દીધા
ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં જ ફરજ પરના PSO ને માથા અને હાથ ઉપર હાથા જેવા હથિયારથી બે ફટકા મારી અસ્થિર યુવાને જીવલેણ હુમલો કર્યો હતો.
ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક ખાતે એક વરદી આવી હતી. કોલમાં શહેરમાં એક અવાવરુ જગ્યાએ બંધ મકાન બહાર એક યુવાન બેઠો હોવાનું કોલ કરનારે પોલીસને કહ્યું હતું.
ખૂબ જ ગભરાયેલા અને શંકાસ્પદ જણાતા યુવાનને વરદી આધારે PCR વાન લેવા ઘટના સ્થળે પોહચી હતી. જ્યાં આ ભયભીત અને માનસિક અસ્વસ્થ લાગતા યુવાને તેનું નામ વિજય જણાવ્યું હતું.
યુવાનને પોલીસ વાનમાં એ ડિવિઝન મથકે લાવી બેસાડાયો હતો. સ્ટાફ તેની પૂછપરછ કરી માહિતી મેળવે તે પેહલા જ આ યુવાને પોલીસ મથકમાં પડેલાં હાથા જેવા સાધન વડે ફરજ પરના PSO ભીંમસિંગ ભાઈ પર હુમલો કરી દીધો હતો.
માથા અને હાથ પર PSO ને બે ફટકા મારી દેવામાં આવતા તેઓને માથામાંથી લોહી નીકળવા લાગતા પોલીસ સ્ટેશનમાં ભાગદોડ મચી ગઇ હતી. તાત્કાલિક ગંભીર રીતે ઘવાયેલા જમાદારને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાયા હતા.
ઘટનાની જાણ એ ડિવિઝન પી.આઈ. બી.એલ.મહેરિયાને થતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, DYSP ચિરાગ દેસાઈ પણ સિવિલ ખાતે પોહચી ગયા હતા.
ઇજાગ્રસ્ત જમાદારનો સિટી સ્કેન અને અન્ય જરૂરી રિપોર્ટ કઢાવવામાં આવ્યા હતા. તેઓ ખતરાથી બહાર હોવાનું DSP એ જણાવી વધુ સારી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હોવાની માહિતી આપી હતી.
સાથે જ ઘટનામાં હુમલો કરનાર વિજય નામના યુવાન સાથે જીવલેણ હુમલામાં હત્યાના પ્રયાસ 307 નો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.