Published By : Parul Patel
- તુષાર સુમેરા IAS ના નામે બોગસ એકાઉન્ટ ખોલી મોકલી ફ્રેન્ડ રિકવેસ્ટ
- મેસેન્જર પર ભેજાબાજે CRPF મિત્રનો ડ્યુટી ટ્રાન્સફરનો હવાલો આપી મોકલ્યા મેસેજ
- જૂનું ફર્નીચર અને ઇલક્ટ્રોનિક્સ આઇટમો સસ્તામાં ખરીદવા 4 લોકોએ ₹ 55000 થી 81000 ગુમાવ્યા
- કોઈના પણ નામે કોઈપણ મદદ કે માંગણી માટે આવતા મેસેજમાં સોશ્યલ મીડિયામાં એલર્ટ રહવુ જરૂરી
ભરૂચ જિલ્લા કલેકટર IAS તુષાર સુમેરાનું FACEBOOK પર સાયબર માફિયાએ ફેક એકાઉન્ટ બનાવી 4 લોકોને ભોગ બનાવ્યા હોવાની ઘટના સામે આવી છે.
ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાનું ફેસબુક પર સાયબર માફિયાએ Tushar Sumera Ias નામનું ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. ભરૂચ કલેકટરના ફેક FB એકાઉન્ટ પર ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારતા લોકોને બાદમાં મેસેન્જર પર મેસેજ મોકલવાનું ગઠિયાએ શરૂ કર્યું હતું. જેમાં મેસેજ કરાયા હતા કે, CRPF કેમ્પમાંથી મારો એક મિત્ર સંતોષકુમાર તમને હમણાં ફોન કરશે. મેં તમારો નંબર તેમને ફોરવર્ડ કર્યો છે. તેઓ CRPF ઓફિસર છે. તેમની ડ્યુટી ટ્રાન્સફર થતા તેમના ઘરનું જૂનું ફર્નીચર અને ઇલેક્ટ્રોનિક આઈટમ સેકન્ડ હેન્ડ વેચી રહ્યા છે. બધી વસ્તુઓ સારી છે અને કિંમત ખૂબ સસ્તી છે. તમને પસંદ પડે તો લઈ શકો છો, જે ચૂકશો નહિ. ભરૂચ કલેકટરના આ ફેક એકાઉન્ટ અંગે તેમને ખબર પડે તે પહેલા અને તેઓ ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરે તે પહેલા જ 4 લોકો ભેજાબાજનો ભોગ બની ગયા હતા. જેઓએ આ સામાન ખરીદવા ₹55,000 થી 81,000 નું ઓનલાઈન ચુકવણું કરી દીધું હતું. જિલ્લા કલેકટરે તેમના ઓફિશિયલ FB એકાઉન્ટ પર પણ આ ફેક એકાઉન્ટની ફોટા સાથેની વિગતો મૂકી લોકોને સાવચેત કર્યા હતા. ફેસબુકને જાણ કરી તુરંત ફેક એકાઉન્ટ ડીલીટ કરી દેવાયું હતું. હાલ પોલીસ ભેજાબાજને ટ્રેક કરવાના પ્રયત્નો કરી રહી છે.