- ભરૂચ બેઠકને બાદ કરતાં વાગરા, જંબુસર, અંકલેશ્વર અને ઝઘડિયામાં કોને મતોનો મહાકભિષેક મતદાન બાદ એનાલિસિસ શરૂ
- વર્તમાન ચાર ધારાસભ્યો સહિત તમામ ઉમેદવારોના જીતના દાવા
- ઝઘડિયા ત્રિપાખીયો, અંકલેશ્વર ભાઈ-ભાઈ, જંબુસર સ્વામી VS સોલંકી, વાગરા રણા સામે પટેલની કડી ટક્કર
- ભરૂચમાં એકમાત્ર ભાજપના ઉમેદવાર તરફ વધુ ઝોકનો મત
ભરૂચ જિલ્લાની પાંચ બેઠકો માટે પ્રથમ તબક્કામાં મતદાન ગુરૂવારે પૂર્ણ થઈ જવા સાથે વિધાનસભા વાઇઝ બુથ પ્રમાણે મતદાનના આંકડાઓ અને ટકાવારી પણ જારી થઈ ગઈ છે.પાંચેય બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ, આપ, અપક્ષ સહિત 32 ઉમેદવારોના ભાવિ 1359 ઇવીએમમાં બંધ થયા છે. હવે મતદાન પ્રમાણે બુથ વાઇઝ છણાવટ અને ગણતરી બેસાડવા પક્ષો, ઉમેદવારો અને વિશ્લેષકો જોતરાઈ ગયા છે.
મતદાન બાદ તમામ મતદારોએ પોતાની જીતના દાવા કરી મત આપનાર તમામ જનતાનો આભાર પણ વ્યક્ત કર્યો છે. ભરૂચ જિલ્લાની પાંચ બેઠકો ઉપર વર્તમાન 4 ધારાસભ્યો એવા ઉમેદવાર અંકલેશ્વરના ઈશ્વર પટેલ, વાગરાના અરૂણસિંહ રણા, ઝઘડિયાના છોટુ વસાવા અને જંબુસરના સંજય સોલંકીની પ્રતિષ્ઠા 8 મી જાહેર થનારા પરિણામો ઉપર નિર્ભર રહેલી છે.તો આ ઉમેદવારોની હરિફમાં ઉભેલા અંકલેશ્વરના વિજય પટેલ, વાગરાના સુલેમાન પટેલ, જંબુસરના ડી.કે.સ્વામી, ઝઘડિયાના રીતેશ વસાવા અને ફતેસિંગ વસાવા પણ ભારી જોરમાં હોય મતદારોનો મત કોના તરફ રહ્યો તેનું પૃથ્થકરણ હાલ શરૂ થઈ ગયું છે.
ભરૂચ વિધાનસભામાં પણ ભાજપના રમેશ મિસ્ત્રી સામે કોંગ્રેસના જયકાંત પટેલ કેટલા મતો મેળવે છે અને શુ પરિણામ આવી શકે છે તેનો પણ બુઠવાઇઝ મતદાનના આંકડા પરથી ક્યાસ મેળવવામાં આવી રહ્યો છે.પાંચેય બેઠકો માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારો, અપક્ષો કેટલા મતો મેળવી શુ ભૂમિકા ભજવે છે તે પણ પરિણામો ઉપર અસરકારક રહે તેમ છે.