Published By : Parul Patel
ભરૂચ જિલ્લામાં શેરડી પકવતા ખેડૂતોની સંખ્યા વધુ છે, ત્યારે આ વર્ષે ભરૂચ જિલ્લાની સુગર ફેકટરીઓએ શેરડીનો ખરીદ ભાવ વધારતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ છે. વધુ વિગતે જોતા પંડવાઈ સુગરે શેરડીના પ્રતિ ટન રૂ 276 થી 336 સુધીનો વધારો આપતા હર્ષની લાગણી છવાઈ ગઈ છે. જ્યારે વટારિયા સુગરે વીતેલા વર્ષની સરખામણીએ રૂ 626નો ભાવવધારો જાહેર કર્યો છે. આમ પંડવાઇ સુગરમાં રૂ 3001 જ્યારે વટારિયા સુગરમાં રૂ 2601 શેરડીના ટન દીઠ ભાવ જાહેર કરવામાં આવ્યા છે.

કાયદાકીય વિવાદના પગલે નર્મદા જિલ્લાની ધારીખેડા સુગરે હજી ભાવ જાહેર કરેલ નથી અત્રે નોંધવું રહ્યું કે હાલ વટારિયા સુગરમાં કસ્ટોડિયન કમિટી વહીવટ ચલાવી રહી છે. ભરૂચ જિલ્લાના ગ્રામ્ય ક્ષેત્રના અર્થતંત્રમાં ખેતી અને દુધની સાથે શેરડીની ભુમિકા પણ ખુબ મહત્વની છે. શેરડી પકવતા ખેડૂતો ભરૂચ, ઝઘડીયા, વાલીયા અને હાંસોટ તાલુકામાં ખુબ મોટી સંખ્યામાં છે, ત્યારે શેરડીના ખરીદ ભાવમા થયેલ વધારાના પગલે ખેડુતોમાં આનંદની લાગણી છવાઈ ગઇ છે.