- કોંગ્રેસ તૂટી અને ભાંગી રહી હોવાની વાત કરી ભાજપ ભ્રમિત કરી રહી છે
- વાગરા વિધાનસભામાંથી રવિવારે 125 થી વધુ કાર્યકરોએ ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસનો હાથ પકડ્યો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે જડ તોડનું રાજકારણ હવે વેગ પકડી રહ્યું છે. ભરૂચ જિલ્લા ભાજપમાંથી 1000 કાર્યકરો છેડો ફાડી કોંગ્રેસમાં જોડાશે તેમ કોંગ્રેસ જિલ્લા પ્રમુખે આજે એલાન કર્યું હતું.

વાગરા વિધાનસભા મત વિસ્તારમાંથી જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો સુલેમાન પટેલ સહિતની ઉપસ્થિતિમાં રવિવારે વહિયાલ ગામે બેઠક મળી હતી. જેમાં વાગરા તાલુકાના વિવિધ ગામોમાંથી ભાજપના 125 થી વધુ કાર્યકરોએ કોંગ્રેસની વિચારધારાથી પ્રેરાઈ કોંગ્રેસનો હાથ પકડ્યો હતો.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ભાજપ માત્ર સંખ્યા ગણાવવા લોકોને ખેસ પહેરાવી જોડી રહી છે.
ભ્રામક પ્રચાર કરાઈ છે કે ભરૂચમાં કોંગ્રેસ તૂટી રહી છે અને ભાંગી રહી છે માત્ર બે ચાર કાર્યકરો વ્યક્તિગત કારણોસર કોંગ્રેસ છોડે તેનાથી કઈ થતું નથી. આગામી દિવસોમાં ભરૂચ જિલ્લાના 1000 ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાવવાના છે.