- ટોઠિદરામાં લગ્નના જમણવાર બાદ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર…
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ટોથીદરા ગામ ખાતે લગ્નના જમણવાર બાદ આશરે 38 વ્યક્તિઓને ફુડ પોઇઝનિંગની અસર જણાઈ હતી. જૉકે સારવાર બાદ તમામની હાલત સુધારા પર છે.
ઝઘડિયાના ટોઠિદરા ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ 38 જેટલાં લોકોને ફુડ પોઇઝનિંગની અસર થતાં ભારે દોડધામ મચી હતી. તમામને તાત્કાલિક અવિધા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયાં હતાં. જ્યાં તબીબોની ટીમે તુરંત એક્શનમાં આવી તમામની સારવાર કરાવતાં એકંદરે તમામની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.
ઝઘડિયા તાલુકામાં આવેલાં ટોઠિદરા ગામે ગઇકાલે બપોરે એક લગ્ન પ્રસંગ હોઇ તેમાં મોટી સંખ્યામાં મહેમાનો હાજર રહ્યાં હતાં. દરમિયાનમાં બપોરના સમયે પ્રસંગમાં જમણવાર પણ હોઇ આમંત્રિતોએ ખોરાક આરોગ્યા બાદ ઘરે ગયાં હતાં. દરમિયાનમાં સાંજના સમયે લોકોને ઝાડા-ઉલટીની સમસ્યા શરૂ થઇ હતી. જોતજોતામાં તેમની સંખ્યા વધવા લાગી હતી.
તમામ તુરંત અવિધા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે પહોંચ્યાં હતાં. સાંજના સાતેક વાગ્યાથી દર્દીઓની શરૂઆત થતાં રાત્રીના 10 વાગ્યા સુધીમાં 37 જેટલાં લોકો ત્યાં સારવાર લેવા આવ્યાં હતા. આરોગ્ય કેન્દ્ર પર ફરજ બજાવતાં ડો. સુનિલ શાહ તેમજ તેમની ટીમ દ્વારા તેમની યોગ્ય સારવાર કરતાં અંદાજે રાત્રીના બારેકવાગ્યા સુધીમાં એકંદરે તમામની હાલતમાં સુધારો આવતાં તેમને રજા આપી દેવાયાં હતા. દરમિયાનમાં આજે સવારે પણ એક શખ્સ આવતાં તેની પણ સારવાર ચાલી રહી છે. ખોરાક વાસી હોવાના કારણે આ ઘટના બની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહયું છે.