Published By : Parul Patel
- બંનેમાંથી કુખ્યાત બુટલેગર રાજેન્દ્ર મિસ્ત્રી પ્રોહીબીશનના 31 ગુનામાં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું
- અંકલેશ્વરનો કુખ્યાત બુટલેગર જીગ્નેશ પરીખ પણ ઝડપાયો
અંકલેશ્વર-ભરૂચ સહીત અન્ય 31 પોલીસ મથકના 33 પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ કીમ અને અંકલેશ્વરના કુખ્યાત બુટલેગરને ભરૂચ એલસીબીએ દમણ ખાતેથી ઝડપી પાડ્યો હતો.
ભરૂચ એલસીબીના પી.આઈ.ઉત્સવ બારોટના માર્ગ દર્શન હેઠળ વોન્ટેડ અને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે પી.એસ.આઈ. એ.એસ.ચૌહાણ, હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંત શંકરભાઈ પટેલ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.
દરમિયાન બાતમી મળી હતી કે, અંક્લેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ મથકના પ્રોહિબીશનના ગુનામાં નાસ્તો ફરતો કુખ્યાત બુટલેગર જીગ્નેશ ઉર્ફે જીગો કીરીટભાઇ પરીખ અને રાજેન્દ્ર હીરાભાઇ મિસ્ત્રી સ્વીફ્ટ કાર નંબર-જી.જે.૦૫.સી.એસ. 8044 માં દમણ ખાતે ફરી રહ્યા છે.
જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ પોલીસ સાથે નાની દમણ ખાતે વોચ ગોઠવી હતી. બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવી કારમાં તપાસ કરતા તેમાંથી અંકલેશ્વરની ગાર્ડન સીટીમાં રહેતો કુખ્યાત બુટલેગર જીગ્નેશ ઉર્ફે જીગો પરીખ અને કીમના કુડસદ રોડ ઉપર આવેલ રુદ્રાક્ષ રેસીડેન્સીમાં રહેતો કુખ્યાત બુટલેગર રાજેન્દ્રભાઇ હીરાભાઇ મિસ્ત્રીને ઝડપી પાડયો હતો.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ કુખ્યાત બુટલેગર રાજેન્દ્ર મિસ્ત્રી વિરુદ્ધ ભરૂચ-અંકલેશ્વર, કરજણ સહીત અલગ અલગ 31 પોલીસે સ્ટેશનના પ્રોહીબીશનના 33 ગુનામાં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું છે.