Published By : Parul Patel
- ભરૂચ જીલ્લામાં વરસાદને પગલે માર્ગો બિસ્માર થતા ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ
- ભરૂચથી સુરત તરફનો હાઈવે ૧૫થી વધુ કિલોમીટર સુધી જામ
- જયારે કાપોદ્રા પાટિયાથી ગોપાલ નગર ટર્નીંગ પાસે પણ ટ્રાફિકજામ સર્જાયો
ભરૂચ જીલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે વરસાદને પગલે ધોવાતા ભરૂચથી ખરોડ ચોકડી સુધી એક તરફ ટ્રાફિકજામ સર્જાયો હતો જેને પગલે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.

ચોમાસું શરુ થતા જ વિવિધ માર્ગોનું ધોવાણ થવાને પગલે રોડ બિસ્માર બની જાય છે જેને પગલે વાહન ચાલકોએ હાલાકી વેઠવો પડી રહ્યો છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદ ખાબકતા જ ભરૂચ જીલ્લામાંથી પસાર થતો હાઈવે બ્રીજ ઉપર ખાડો પડવાનું શરુ થઇ ગયું છે. તો બીજી તરફ ખરોડ ચોકડી ઉપર બની રહેલ ઓવર બ્રિજનો સર્વિસ રોડ વરસાદને કારણે ધોવાતા મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય વધતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી રહ્યી છે. ગતરોજ મોડી રાતથી અંકલેશ્વરની ખરોડ ચોકડી પર ખાડાઓને પગલે ભરૂચથી ખરોડ સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો જેના પગલે ભરૂચથી સુરત તરફના ટ્રેક ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી વાહન ચાલકો ૧૫ કિલોમીટર સુધીના ટ્રાફિકજામમાં ફસાતા હેરાન પરેશાન બન્યા હતા.હાઇવે ઉપર ખાડાઓનું સામ્રાજ્ય વધતા જ એક વાર ફરી ટ્રાફિકે હાઇવેને બાનમાં લીધો હતો.