ભરૂચમાં કોરોના મહામારીના 2 વર્ષ અને ત્યારબાદ કરોડોની ‘દવા’ જ નહીં પણ હજારો કરોડોનો ‘દારૂ’ અને નશીલા માદક પદાર્થોનો પણ વેપલો વધ્યો
પાનોલી અને વાગરાની કંપનીમાંથી ઐતિહાસિક રૂ.3534 કરોડનો મેફેડ્રોન ડેગ્સનો જથ્થો ઝડપાયો
ભરૂચ જિલ્લામાં લોકડાઉન અને કોરોના બાદ રૂ.5.98 કરોડનો દારૂ અને રૂ.64.82 લાખનો ગાંજો, ચરસ, MD ડ્રગ્સ અને એફેડ્રિન પકડાયું…જિલ્લામાંથી 18,802 લોકોને પકડયા જ્યારે 90 આરોપી વોન્ટેડ…
ભરૂચ જિલ્લામાં કોરોના મહામારીના બે વર્ષના સમયગાળા અને ત્યારબાદ તમામ વેપાર-ધંધા અને ઉદ્યોગો સાથે વ્યવસાયની માઠી દશા વચ્ચે પણ દવા અને દારૂ સાથે નશીલા દ્રવ્યોનું બજાર ટોપ ઉપર રહ્યું હોવાનું હાલમાં જ પાનોલી, વાગરાની કપનીઓમાંથી એમ.ડી.ડ્રગ્સનો ઐતિહાસિક રૂપિયા 3534 કરોડનો જથ્થો પકડાયો હોવાનું બહાર આવ્યું છે.

દેશની આઝાદીના 75 વર્ષમાં જિલ્લામાંથી જેટલા નશીલા દ્રવ્યો દારૂ, બિયર, ચરસ, ગાંજો, બ્રાઉનસુગર, મેફેડ્રોન પકડાયું નથી તેટેલું કોરોના બાદના એક વર્ષમાં ભરૂચ જિલ્લામાંથી ઝડપાયું છે.
કોરોનાના 2 વર્ષમાં ભરૂચ જિલ્લામાં વર્ષ 2020માં રૂ.2.66 કરોડનો દારૂ 20 લાખ બોટલો ઝડપાઇ છે. જ્યારે રૂ.9.72 લાખનો દેશી દારૂ અને રૂ.31.49 લાખની બિયરોનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.
વર્ષ 2021માં રૂ.2.07 કરોડના દારૂની 12 લાખ બોટલો, રૂ.9.11 લાખનો દેશી દારૂ અને રૂ.10.61 લાખની બિયર પોલીસે પકડી લીધી હતી. માદક નશીલા દ્રવ્યોની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં વર્ષ 2020માં 48 કિલો ગાંજો કિંમત રૂ. 3.97 લાખ, 93,300ની ચરસ, MD ડ્રગ્સ રૂ.4.34 લાખનું અને અન્ય 3630ની ગોળીઓ પકડાઈ છે.
જ્યારે વર્ષ 2021માં ભરૂચ જિલ્લામાં રૂ.8 લાખનો ગાંજો અને એફેડ્રિન ડ્રગ્સ રૂ.9.46 લાખનું પકડી પાડવામાં આવ્યું હતું. જિલ્લામાં બે વર્ષમાં દારૂ અને નશીલા પદાર્થના વેપલામાં 18,802 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. હાલ 90 જેટલા આરોપી ફરાર હોય પકડવાના બાકી છે.

આ તમામ સામે માત્ર 3 દિવસમાં હાલમાં જ પાનોલીની ઇન્ફિનિટી રિસર્ચ અને ડેવલોપમેન્ટ કંપનીમાંથી ભરૂચ SOGએ રૂપિયા 1383 કરોડ, મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલે રૂ.1026 કરોડનો એમ.ડી. ડ્રગ્સનો જથ્થો હસ્તગત કર્યો હતો. તો વાગરાના સાયખાની વેન્ચયુર ફાર્માસ્યુટિકલ કંપનીમાં લિકવિડ ફોર્મમાં એમ.ડી. ડ્રગ્સ બનાવી વડોદરાની નેકટર કેમમાં તેને સુકવતા રૂ.1125 કરોડનું મ્યાઉ માઉ ડ્રગ્સ ગુજરાત ATSએ પકડયુ હતું.