- તંત્ર દ્વારા જે.બી.મોદી પાર્ક નજીકની ખુલ્લી જગ્યામાં કચરો ઠલવાતા આસપાસની સોસાયટીના રહીશોએ વિરોધ નોંધાવ્યો
Published By : Aarti Machhi
ભરૂચ શહેરના કચરાનો નિકાલ કરવા માટે હંગામી ધોરણે ચાલતી થામ ગામની સાઇટ સ્થાનિકોએ બંધ કરાવી દેતાં એક સપ્તાહ ઉપરાંતથી કચરાના ઢગલા થઇ ગયાં છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટેના ટેમ્પા નહી આવતાં લોકો ઘરનો કચરો રોડની સાઇડો પર નાખી રહયાં છે ત્યારે ભરૂચ નગર સેવા સદન દ્વારા નાના ટેમ્પામાં કચરો એકત્રિત કરી શહેરના જે.બી. મોદી પાર્ક નજીક આવેલ ખુલ્લી જગ્યામાં નાખવામાં આવે છે અને ત્યાંથી જે.સી.બી.વડે ટ્રકમાં ભરી તેને અંકલેશ્વર ખાતે આવેલ સાઇટ પર મોકલવામાં આવે છે.

જોકે આસપાસની સોસાયટીના રહીશોએ આ બાબતે વિરોધ નોંધાવ્યો છે અને અહીં કચરો ન નાખવાની માંગ કરી છે. સ્થાનિકોના આક્ષેપો અનુસાર રહેણાક વિસ્તારમાં શહેરનો કચરો નંખાતા રોગચાળો ફાટી નિકળવાની દહેશત છે ત્યારે નગરપાલિકા આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવે એવી માંગ કરવામાં આવી છે.આ તરફ પાલિકાના સત્તાધીશોએ આ મામલે ગાંધીનગરના દ્વાર ખખડાવ્યાં છે. પાલિકા સત્તાધીશોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી ડમ્પિંગ સાઇટ માટે યોગ્ય વ્યવસ્થા કરી આપવા રજૂઆત કરી છે.