- રાતે 9 કલાકથી નર્મદા ડેમના 23 ગેટ વધુ 23 સેમીથી ખોલાશે
- મધ્યપ્રદેશ અને કેચમેન્ટ વિસ્તારમાં વરસાદને કારણે સરદાર સરોવરમાં પાણીની આવક વધી
- ગોલ્ડનબ્રિજે ફરી નર્મદા નદીની સપાટી વધવાની વકી
વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના નદી કાંઠા વિસ્તારના લોકોને તકેદારી રાખવા સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા સૂચન કરાયું છે. આજે રાતે 9 કલાકથી નર્મદા નદીમાં ડેમના 23 દરવાજા વધુ 23 સેમી ખોલી 2.50 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરવામાં આવનાર છે.
સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા છેલ્લા એક મહિનાથી ખુલ્લા છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમના 23 દરવાજા વધુ 23 સેમીથી ખોલી શનિવારે રાતે 9 કલાકથી વધુ પાણી છોડવામાં આવનાર છે.
ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમના 30 દરવાજા પાણીની આવક મુજબ છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી ખોલ બંધ કરવામાં આવી રહ્યા છે. હાલ નર્મદા ડેમના 23 દરવાજા 1.15 મીટર ખોલી નર્મદા નદીમાં 2.15 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.

ડેમની સપાટી 15 સપ્ટેમ્બરે સંપૂર્ણ ભરાયા બાદ આજે ફરીથી બે દિવસ રહીને 138.68 મીટરે પોહચી હતી. જે ઘટીને બપોરે 138.67 મીટર થઈ હતી. રીવર બેડ પાવરહાઉસના પણ તમામ 6 ટર્બાઇનો ધમધમતા હોય વીજ ઉત્પાદન બાદ નદીમાં 43,649 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ કરી રહ્યા છે.
દરમિયાન ઉપરવાસ મધ્યપ્રદેશ અને કેચમેન્ટ વિસ્તારમાંથી પાણીની આવક વધતા સરદાર સરોવર નર્મદા નિગમના સત્તાધીશોએ રાતે 9 કલાકથી વધુ પાણી છોડવાનો નિર્ણય લીધો છે.
જેને પગલે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારના લોકોને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.
આજે રાતે 9 કલાકથી ડેમના 23 દરવાજા 1.38 મીટર ખોલીને 2.50 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવનાર છે. અને પાવર હાઉસ દ્વારા 45 હજાર ક્યુસેક પાણી ઠલવાશે. જેને લઈ નર્મદા ડેમમાંથી નદીમાં કુલ 2.95 લાખ ક્યુસેક પાણી વહેતુ કરવામાં આવશે. ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નદીની સપાટી ફરી વધવાની વકી વ્યક્ત કરાઈ રહી છે.




